Western Times News

Gujarati News

નૂતનવર્ષે રાજ્ય સરકારનો ખેડૂતો માટે વધુ એક ઐતિહાસિક નિર્ણય

પ્રતિકાત્મક

વરસાદી પાણીનો ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એકજ સર્વે નંબરના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ અપાશે:ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે

ઉર્જામંત્રીશ્રી એ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યસરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઉભી રહી છે. વરસાદી પાણી ( સરફેસ વૉટર) નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત ના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે.ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીશ્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા  રજુઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

ઉર્જામંત્રી શ્રી એ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમ થી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.જેના પરિણામે ભુગર્ભ જળ નો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલ માં બચાવ થશે. એટલુંજ નહીં કાર્બન ઉત્સર્જન માં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ નિર્ણયને રાજ્યના ખેડૂતોએ ઉત્સાહ પૂર્વક વધાવી લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.