જુહાપુરામાં અસામાજિક તત્ત્વોનો ઘાતક હથિયારો સાથે આતંક

અમદાવાદ, વસ્ત્રાલ બાદ જુહાપુરામાં ગુંડા તત્ત્વોએ આતંક મચાવ્યો છે. ગેંગવોર, હત્યા અને હત્યાની કોશિશના છાશવારે બનતા ગુના ડામવામાં સ્થાનિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે તેવામાં જુહાપુરાના સંકલિતનગરમાં વધુ એક વાર અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે.
પોલીસનો ડર ન હોય તેમ કેટલાક ટપોરીઓએ દંડા અને છરી જેવા હથિયારો સાથે વિસ્તાર બાનમાં લીધો હતો. બૂમાબૂમ ન કરવાનું કહેનારા લોકો સાથે ઘર્ષણ કરીને હથિયારોથી મારામારી કરી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસને આ મામલે ગુનો દાખલ કરવાની ફરજ પડી છે. જુહાપુરામાં આવેલા સંકલિતનગરમાં રહેતો ૨૨ વર્ષીય ફરઝાન કુરેશી વેલ્ડિંગની દુકાનમાં નોકરી કરે છે.
ગત સોમવારે તેના ઘર પાસે રહેતા ફૈઝાન ઉર્ફે પંડિત શેખ, મોહસીન ઉર્ફે હાઇટ અંસારી, અરબાઝ દેસાઇ જોરજોરથી બૂમાબૂમ કરતા હતા. તેથી ત્યાં રહેતા મોહસીન ઘાંચીએ જોરજોરથી બૂમો ના પાડવા કહેતા મોહસીન ઉર્ફે હાઇટ ઉશ્કેરાઇ ગયો હતો. ફરઝાન તેને સમજાવવા જતા આ શખ્સોએ ગાળાગાળી કરીને છરી કાઢી હતી.
તેથી મોહસીન ઘાંચી ભાગીને ઘરમાં જતો રહ્યો હતો. શખ્સોએ ફરઝાનને આડે હાથ લઇને ઝઘડો કર્યાે હતો. બાદમાં તેને માર મારીને દંડા લઇ આવીને ત્યાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ અસામાજિક તત્ત્વોએ આજે જવા દીધા હવે મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં અહીંના ગભરાયેલા લોકો એકત્રિત થતાં આ તમામ શખ્સો ભાગી ગયા હતા.SS1MS