એડવોકેટને આત્મહત્યા માટે મજબૂર કરનાર મહિલા આરોપીના આગોતરા રદ
અમદાવાદ, શહેરના મેઘાણીનગરમાં રહેતા એડવોકેટે મહિલાના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મહિલા આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.
જોકે, તે અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપી સામે તપાસ જારી છે ત્યારે આવા કેસમાં મહિલાને જામીન પર મુક્ત કરવી ન્યાયોચિત જણાતું નથી. નોંધનીય છે કે, આરોપીની જામીન અરજી સામે પત્નીએ વાંઘા અરજી કરી હતી જેમાં એવી રજૂઆત કરી હતી કે, પતિ ૧૯ વર્ષથી વકીલાત કરાવી લોકોને ન્યાય અપાવતા હતા તેમને મહિલાનો કેટલો ત્રાસ હશે કે આત્મહત્યા કરવી પડી. વકીલ અમિતસિંહ પરમારના આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા મીનુકુમારી મરાઠીએ આગોતરા જામીન અરજી કરી હતી.
જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે, મારો કોઇ જ રોલ નથી, મારા ત્રાસથી આત્મહત્યા કરી હોય તેવો કોઇ જ પુરાવો નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવી જોઇએ. જોકે, ફરિયાદ પક્ષે અમિતની પત્નીએ એડવોકેટ ભરત શાહ મારફતે વાંધા અરજી કરી હતી.
જેમાં એવી રજૂઆત કરી હતી કે, ૪૦ સાક્ષીઓના નિવેદન પોલીસે લીધા છે તે જોતા આરોપી મહિલા સામે પ્રથમદર્શી કેસ છે, મૃતક ૪૨ વર્ષના હતા અને ૧૯ વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોને ન્યાય અપાવતા હતા તેમને કેટલી હદે મહિલા આરોપીએ ત્રાસ આપ્યો હશે કે તેમને આત્મહત્યા કરવી પડી, આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે, આ મામલે હજુ તપાસ જારી છે અને આરોપીનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે, આવા આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો સમાજ પર કાયદાની વિપરીત અસર પડે તેમ છે તેથી જામીન ન આપવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે મહિલાના જામીન ફગાવી દીધા છે.
મૃતક એડવોકેટ આરોપી મીનુકુમારીને દર મહિને ૧૫ હજાર રૂપિયા આપતા હતા, ઉપરાંત ટીવી, કુલર, ળીજ સહિતનો સામાન પણ લઇ આપ્યો હતો, પરંતુ કેટલાક મહિનાથી મૃતકે પૈસા આપવાના બંધ કરી દીધા હતા. જેથી મીનુકુમારી કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. આવા ત્રાસના કારણે ૧૫ માર્ચે એડવોકેટે અમિતસિંહ પરમારે આત્મહત્યા કરી લીધી હતી.SS1MS