સચિન GIDCમાં આવેલી અનુપમ રસાયણ કંપનીને એક કરોડનો દંડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Surat-2.jpg)
અમદાવાદ, સુરતના સચિન ખાતે GIDCમાં આવેલી અનુપમ કેમિકલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ૧૦મી સપ્ટેમ્બરના રોજ એક ગોઝારી ઘટના બની હતી.
આ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી જેના કારણે પાંચ લોકોનો જીવ ગયો હતો તેમજ ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ નિર્દોષ કર્મચારીઓનું આ પ્રકારે નિધન થવાને કારણે કંપનીને બંધ કરાવી દેવામાં આવી હતી તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોંધનીય છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૦મી સપ્ટેમ્બરના રોજ અનુપમ કેમિકલ કંપનીના યુનિટ-૬માં એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ ફાટી નીકળી હતી.
આ ઘટનામાં પાંચ કર્મચારીઓના મોત થયા હતા અને ૧૯ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક કાર્યવાહીમાં સામે આવ્યુ હતું કે આ કર્મચારીઓના મૃત્યુ તેમજ પર્યાવરણના નુકસાન બદલ કંપનીની બેદરકારી જવાબદાર છે.
નોંધનીય છે કે કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાને કારણે આ ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. ઘટના સમયે જે પ્રકારે ડ્રમ ફાટ્યા હતા તેનાથી અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.
GPCB(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર જીજ્ઞાબેન આ સમગ્ર બાબતે વાત કરતાં જણાવે છે કે, અનુપમ રસાયણમાં આગ લાગ્યા પછી જે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે તે બદલ નિયમ અનુસાર એક કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પરિમાણો અનુસાર કાયદાકીય રીતે સર્વે કર્યા પછી જ આ દંડની રકમ નક્કી કરવામાં આવી છે. આટલુ જ નહીં, ૧૯ સપ્ટેમ્બરના રોજ કંપનીનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો.
સચિન જીઆઈડીસી દ્વારા ૧૭મી સપ્ટેમ્બરથી પાણી પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.
આ કેમિકલ જ્વલનશીલ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવો પણ મુશ્કેલ હતો. જાેતજાેતામાં આગ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની ૩૦થી વધારે ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને અત્યંત જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.SS1MS