મનમોહન સિંહના નિધન બાદ અનુપમ ખેરનો મોટો ખુલાસો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Anupam-Kher.webp)
મુંબઈ, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ૨૬ ડિસેમ્બરે અવસાન થયું, તેમણે ૯૨ વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર સાંભળ્યા બાદ શોકનો માહોલ છવાયો હતો. મનમોહન સિંહના નિધનના સમાચાર પર ઘણા મોટા નેતાઓ, ઘણા સ્ટાર્સે પ્રતિક્રિયા આપી છે અને હવે અનુપમ ખેરે પણ તેમના નિધન બાદ એક વીડિયો પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યાે છે.
અનુપમ ખેરે વર્ષ ૨૦૧૯માં મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં તેમની ભૂમિકા ભજવી હતી.અનુપમ ખેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યાે છે અને કેપ્શનમાં લખ્યું છે, “અત્યાર સુધી તેમના વિશે વાંચ્યા પછી, મને લાગ્યું કે મેં ખરેખર તેમની સાથે ઘણો સમય વિતાવ્યો છે. તે સ્વભાવે સારા વ્યક્તિ હતા.
વ્યક્તિગત રીતે, તેઓ સંપૂર્ણ પ્રમાણિક, એક મહાન અર્થશાસ્ત્રી અને ખૂબ જ સરસ વ્યક્તિ હતા.” તેણે આગળ લખ્યું કે, “ઘણા લોકો કહી શકે છે કે તેઓ ચતુર રાજનેતા નહતા. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ, ઓમ શાંતિ.”અભિનેતાએ તેના વીડિયોમાં કહ્યું કે, “હું હાલમાં દેશની બહાર છું, પરંતુ આ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે.
જો કોઈ પણ અભિનેતા કોઈના જીવન પર ફિલ્મ બનાવે છે, તો તે માત્ર તેના ભૌતિક પાસાઓનો જ અભ્યાસ નથી કરતો, પરંતુ તે પાત્રને સત્યતાથી ભજવવા માટે તેની અંદરની બાબતો પર પણ ધ્યાન આપે છે. મેં તેમના જીવન સાથે લગભગ દોઢ વર્ષ વિતાવ્યા છે, ડો.મનમોહન સિંહ ખૂબ જ સારા વ્યક્તિ હતા, તેઓ નમ્ર, દયાળુ અને બુદ્ધિશાળી હતા.”
તેણે કહ્યું કે, “જ્યારે મને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ઓફર કરવામાં આવી હતી, ત્યારે મેં શરૂઆતમાં તેમનો રોલ કરવાની ના પાડી દીધી હતી, જેમાંથી એક રાજકીય કારણ હતું, મને લાગ્યું કે લોકો કહેશે કે કદાચ મેં તેમની મજાક ઉડાવવા માટે આ કર્યું છે.
જોકે કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું.”ફિલ્મ વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે, “મારી આખી ફિલ્મ કરિયરમાં જો મારે કોઈ ૩-૪ પાત્રો પસંદ કરવાના હોય, જે મેં પૂરી ઈમાનદારી અને દિલથી ભજવ્યા હોય, તો તેમાંથી એક મનમોહન સિંહનું પાત્ર હશે.”
પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા તેણે કહ્યું કે, “તેઓ ખૂબ જ અદ્ભુત વ્યક્તિ હતા, હું તેમને એક-બે વાર જ મળ્યો હતો, જેમાં તેમણે હંમેશા મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યાે હતો અને તેમણે ફિલ્મના પણ વખાણ કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણા વિવાદો થયા, પરંતુ તેઓ એક ઈમાનદાર નેતા હતા.
મનમોહન સિંહની ભૂમિકા ભજવવી ઘણી મુશ્કેલ હતી.” અનુપમ ખેરે કહ્યું કે, “તેમની સાથે સંબંધિત મુદ્દાઓ વિવાદાસ્પદ રહ્યા છે, વ્યક્તિ નહીં. દેશે આ ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ અને મહાન નેતા ગુમાવ્યા છે. તેમના આત્માને શાંતિ મળે.”SS1MS