અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ કેન્સ માર્કેટમાં ડેબ્યુ કરશે

મુંબઈ, અનુપમ ખેર ‘તન્વી ધ ગ્રેટ’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે, જેનું કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રિમીયર યોજાશે. આ પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સેલેબ્રિટી હાજર રહેશે, એ વખતે અનુપમ ખેર ફિલ્મની કાસ્ટનો પણ પરિચય કરાવશે.
કેન્સમાં દર્શાવવાથી આ ફિલ્મની ઇન્ટરનેશનલ સફરની શરૂઆત થશે. કેન્સ પછી પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મ લંડન, ન્યૂયોર્ક અને લોસ એન્જલસમાં પણ સ્ક્રીન થશે. આ રીતે સ્ક્રિનિંગ દ્વારા વર્લ્ડ વાઇડ ઓડિયન્સ સુધી પહોંચવાનું ટીમનું આયોજન છે.
જોકે આ ફિલ્મ વિશે હજુ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.અનુપમ ખેર સ્ટુડિયો દ્વારા આ ફિલ્મ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પાેરેશનના સહયોગથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ ‘કાગઝ’ના લેખક અંકુર સુમન તેમજ ‘ઊંચાઈ’ના લેખક અભિષેક દિક્ષિત દ્વારા લખવામાં આવી છે. સાથે અનુપમ ખેરે પણ સહકાર આપ્યો છે.
આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ‘ફર્રે’ના સિનેમેટોગ્રાફર કેઈકો નકાહારા દ્વારા કરવામાં આવી છે. જ્યારે ફિલ્મનું સંગીત ‘આરઆરઆર’ના ઓસ્કાર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એમ.એમ.કીરવાણી દ્વારા આપવામાં આવ્યું છે.
અનુપમ ખેરે ૨૦૦૨માં ‘ઓમ જય જગદીશ’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જેમાં અનિલ કપૂર, વહીદા રહેમાન, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, મહિમા ચૌધરી અને ઉર્મિલા જેવા કલાકારો હતાં.
જ્યારે એક અભિનેતા તરીકે તે હોલિવૂડ અને બોલિવૂડ સહીત વિવિધ ભાષાની ૫૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.અનુપમ ખેરે તન્વી ધ ગ્રેટ વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મારે હંમેશા યુનિવર્સલ વિષયવસ્તુ આધારીત ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી, જે સરહદોથી આગળ વધીને દરેક વ્યક્તિના દિલને સ્પર્ષી જાય.
એક ઊંડી લાગણી અને કારણથી આ ફિલ્મ બની છે. આ ફિલ્મ એટલી દિલથી બની છે કે જેટલી અમદાવાદના દર્શકોને સ્પર્શી જશે એટલી જ અમેરિકાના દર્શકોને પણ સ્પર્શી જશે.”SS1MS