ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતી અનુસૂચિત જાતિની કન્યાઓને ફ્રી શીપ કાર્ડ યોજના,
અંતર્ગત સમાવવાનો હિતકારક નિર્ણય: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા
સમાજના અનુસૂચિત જાતિના વર્ગોના બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે રાજય સરકાર વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરીને બાળકોના વિકાસમાં આમુલ પરિવર્તન લાવવાનું કાર્ય કરી રહી છે. રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વ્યકિતઓના સંર્વાગી વિકાસ માટે જુદી જુદી શૈક્ષણિક, આર્થિક અને સામાજિક અને આવાસને લગતી યોજના અંતર્ગત લાભ આપવા રાજય સરકાર પ્રતિબદ્ધ છે,
ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા રાજય સરકારની ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં શિક્ષણનો વ્યાપ વધે અને એક પણ દિકરી નાણાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તે માટે ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (બી.સી.કે-૫) અંતર્ગત ઉચ્ચ અભ્યાસ અર્થે સ્વનિર્ભર(સેલ્ફ ફાઈનાન્સ) સંસ્થાઓ/કોલેજમાં પ્રવેશ મેળવનાર કન્યાઓને આવકમર્યાદાને ધ્યાને લીધા વગર ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત સમાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્ડ રજૂ કરવાથી વિદ્યાર્થીનીઓને કોલેજ/સંસ્થામાં પ્રવેશ મેળવતી વખતે એડવાન્સ ફી ભરવામાંથી મુકિત મળશે. આ માટે વિદ્યાર્થીનીઓને ડિઝિટલ ગુજરાત પોર્ટલ મારફત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું રહેશે અને વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળ્યેથી કોલેજ/સંસ્થાને ચુકવવાપાત્ર ફી ફરજિયાત ચુકવી દેવાની રહેશે તેમજ સરકારશ્રીની વખતોવખતની માર્ગદર્શિકા અનુસાર આ લાભ મળવા પાત્ર થશે.
વધુમાં,ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને ગ્રુપ એ થી ડી અંતર્ગત રૂ.૨૫૦૦ થી લઈને રૂ.૧૩,૫૦૦ સુધીની શિષ્યવૃત્તિ ઉપરાંત માન્ય ટ્યુશન ફી ચુકવવામાં આવે છે.