તમામ સ્કિનને માફક આવે તેવી પ્રાકૃતિક સામગ્રીના ઉપયોગથી બનાવેલા નહાવાનાં સાબુ
વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલ દિવ્ય કલા મેળો દિવ્યાંગ ઉધોગ સાહસિક ઉમા પાલ માટે બન્યું શ્રેષ્ઠ માર્કેટિંગ પ્લેટફોર્મ
વડોદરા, ઉત્સાહી દિવ્યાંગ ઉધોગ સાહસિકો તથા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન પાડતા દિવ્ય કલા મેળામાં વડોદરાના નેશનલ કરિયર સર્વિસ સેન્ટરના માધ્યમથી આવેલ દિવ્યાંગ ઉમાબેન પાલ સ્ટોલ નં. ૪૯ પર પોતાની હોમમેડ પ્રોડક્ટ લઈને આવ્યા છે. આ મેળામાં કુદરતી સામગ્રી માંથી બનાવેલ નહાવાના સાબુ સહિત અનેક ઉત્પાદનો આ સ્ટોલ મારફત લોકો સમક્ષ લઈને આવ્યા છે.
આ મેળામાં ઉમાબેન હોમમેડ ન્હાવાના સાબુ, સૌંદર્ય પ્રસાધનો, સાજ શણગાર વસ્તુઓ, હેન્ડમેડ પર્સ, બેગ, હોમમેડ ચોકલેટ સહિત અનેક ચીજવસ્તુઓ લઈને આવ્યા છે. વધુમાં દિવ્યાંગોને સ્વરોજગારી તથા રોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે આર્થિક સહાય તથા તેમની પ્રોડક્ટ માટે શ્રેષ્ઠ માર્કેટિંગ પ્લેટફોર્મ અને બજાર પૂરું પાડવા બદલ સરકાર શ્રીનો આભાર માન્યો હતો.
ઉમા પાલ જણાવે છે કે, તેમનાં ગૃહ ઉદ્યોગમાં બનાવેલ સાબુ કાકડી, મધ, એલોવેરા અને હળદર જેવી કુદરતી સામગ્રીના મિશ્રણમાંથી બનાવવામાં આવ્યા છે. વધુમાં આ સાબુ તમામ પ્રકારની સ્કીનમાં માફક આવે છે. જેના કારણે તેમના સાબુનું ખુબજ વેચાણ થઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં દિશાનિર્દેશન હેઠળ યોજાયેલ આ પ્રદર્શન સહિત વેચાણના માટેના આ મેળા થકી ઉમા પાલ પગભર બનવા સહિત અન્ય દિવ્યાંગો માટે પ્રેરણાનું ઉદાહરણ બની રહ્યા છે.