ટોપર્સ હોવા ઉપરાંત IELTSમાં સારા બેન્ડ હોય તો પણ વિઝાની કોઈની ગેરંટી નથી
અમદાવાદ, ગુજરાતીઓમાં પાછલા કેટલાક સમયથી કેનેડા જવાનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. તેમાંય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જનારા લોકોને તો અત્યારસુધી અન્ય દેશોની સરખામણીએ સરળતાથી વિઝા પણ મળી જતા હતા.
જાેકે, હવે સારો એકેડમિક રેકોર્ડ ધરાવતા તેમજ IELTSમાં પણ સારા બેન્ડ લાવનારા સ્ટૂડન્ટ્સની વિઝા એપ્લિકેશન રદ્દ થવાનું પ્રમાણ અચાનક વધી ગયું છે. અમદાવાદની રાધિકા પટેલે હાલમાં B.Comનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કેનેડા જવાની તૈયારી કરી રહેલી રાધિકા IELTSમાં પણ ૬.૫ બેન્ડ લાવી હતી, જે કેનેડાની સારી યુનિવર્સિટી કે કોલેજમાં અભ્યાસ કરવા પૂરતા હતા.
જાેકે, પોતાની વિઝા એપ્લિકેશન બીજીવાર રિજેક્ટ થતાં રાધિકાને મોટો આંચકો લાગ્યો છે. રાધિકાને ઓન્ટારિયોની એક કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું.
પહેલીવાર વિઝા રિજેક્ટ થતાં તેણે એડમિશનની તારીખ પાછળ કરી હતી, પરંતુ બીજા પ્રયાસમાં પણ વિઝા ના મળતા હવે રાધિકાએ કેનેડા જવાનું જ માંડી વાળ્યું છે. રાધિકાનું કહેવું છે કે સારી પ્રોફાઈલ હોવા છતાંય બે વાર સ્ટૂડન્ટ વિઝા એપ્લિકેશન રદ્દ થતાં હવે તેમાં સમય બગાડવાના બદલે તેણે ભારતમાં જ ઉચ્ચ અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે.
કોલેજમાં ભરેલી ૧૭ હજાર ડોલર કેનેડિયન ડોલર ફી પરત મેળવવા પણ રાધિકાએ અરજી કરી છે. જાેકે, રાધિકા જેવા તો ઘણા ગુજરાતી સ્ટૂડન્ટ્સ છે જેમની વિઝા એપ્લિકેશન એક અથવા એકથી વધુ વાર રિજેક્ટ થઈ છે. શહેરમાં પ્રેક્ટિસ કરતાં વિઝા કન્સલ્ટન્ટ્સનું માનીએ તો આ વખતે રિજેક્શનનું પ્રમાણ ૪૦-૫૦ ટકા જેટલું ઉંચું છે.
એવું નથી કે પહેલા કેનેડાની સ્ટૂડન્ટ વિઝા એપ્લિકેશન રદ્દ નહોતી થતી. જાેકે, કોરોનાકાળ પહેલા આ પ્રમાણ માંડ ૧૫-૨૦ ટકા જેટલું હોવાનું જાણકારોનું કહેવું છે. અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા વિઝા કન્સલ્ટન્ટ અનુજ પરીખનું કહેવું છે કે સારો સ્કોર ધરાવતા તેમજ પેપર વર્ક પર્ફેક્ટ હોય તેવા સ્ટૂડન્ટ્સના વિઝા પણ રિજેક્ટ થઈ રહ્યા છે.
અન્ય એક વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર જણાવે છે કે, કોરોના પહેલા ૮૫ ટકા જેટલી વિઝા એપ્લિકેશન મંજૂર થઈ જતી હતી, જે પ્રમાણ આ વર્ષે ઘટીને ૫૫ ટકા જેટલું થઈ ગયું છે. તેમનું એમ પણ કહેવું છે કે, પેન્ડિંગ વિઝા એપ્લિકેશનનું પ્રમાણ ખૂબ જ વધી જવાના લીધે પણ રિજેક્શનનું પ્રમાણ વધ્યું હોય તે શક્ય છે.
કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે કેનેડાનો ઉંચો રિજેક્શન રેટ ચોંકાવનારો છે. કારણકે, ઘણા કેસમાં તો ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ પોતાના ફિલ્ડના ટોપર્સ હોય તેવા સ્ટૂડન્ટ્સને પણ કેનેડા વિઝા નથી આપી રહ્યું. પહેલા તો એવી સ્થિતિ હતી કે સારી પ્રોફાઈલ ધરાવતા સ્ટૂડન્ટ્સની વિઝા એપ્લિકેશન રિજેક્ટ થવી અશક્ય હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે.
બીજી તરફ, સ્ટૂડન્ટ વિઝા રિજેક્ટ કરવાનું કોઈ ચોક્કસ કારણ પણ નથી આપવામાં આવતું. તેના કારણે કેનેડા જવા મહેનત કરી રહેલા સ્ટૂડન્ટ્સ પર દબાણ વધ્યું છે. વિઝા કન્સલ્ટન્ટ લલિત અડવાણી જણાવે છે કે રિજેક્શન રેટ તો વધ્યો જ છે, પરંતુ તેની સાથે વિઝા એપ્લિકેશન પ્રોસેસ કરવાનો સમય પણ નવથી બાર મહિના જેટલો વધી જતાં સ્ટૂડન્ટ્સની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે.SS1MS