ભારતીય ટીમમાં બુમરાહ-કોહલી સિવાય પણ સ્ટાર ખેલાડીઓ છેઃ નાથન લાયન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Nathaan1-1024x576.jpg)
નવી દિલ્હી, ભારતીય ટીમમાં ઘણા મહારાથીઓ છે અને ઓસ્ટ્રેલિયાનું ધ્યાન ફક્ત બુમરાહ કે કોહલી પુરતું સિમિત નથી તેમ ઓસી. ટીમના સ્પિનર નાથન લાયને જણાવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૬ ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. ભારતે પર્થ ટેસ્ટમાં વિજય મેળવવાની સાથે સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમ છેલ્લા ૧૦ વર્ષથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતને હરાવી શક્યું નથી જેથી આ વખતે તેના માટે કરો યા મરોનો જંગ છે. બીજીતરફ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પ્રવેશવાની હેટ્રિક લગાવવા આતુર છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતના શાનદાર પ્રદર્શનમાં ઉપયોગી યોગદાન આપનાર જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. લાયને પિન્ક બોલ ટેસ્ટ અગાઉ જણાવ્યું કે, ભારતીય ટીમમાં અનેક સુપરસ્ટાર ખેલાડીઓ છે. ક્રિકેટ એક ટીમ રમત છે જેમાં વિજય માટે દરેક ખેલાડીએ સારું રમવું પડે છે. ભારત પાસે બુમરાહ ઉપરાંત અન્ય સારા ખેલાડી પણ છે. આ ફક્ત મહારથીઓ પુરતું સિમિત નથી.
ભારતની ટીમના અન્ય ખેલાડીઓ પણ પ્રતિભાશાળી છે. ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત એકાદ-બે પ્લેયર પર ધ્યાન આપશે નહીં.ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નહતો. અશ્વિનના નામે ટેસ્ટમાં ૫૩૬ વિકેટ છે.
હવે તેને બીજી ટેસ્ટમાં અંતિમ અગિયારમાં સમાવવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે. અશ્વિનના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી હતી અને તેણે ઓલરાઉન્ડ દેખાવ કર્યાે હતો.
લાયને ભારત પાસે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અશ્વિન અને જાડેજા બંને સંયુક્ત ૮૦૦થી વધુ ટેસ્ટ વિકેટો ધરાવે છે અને તેમ છતા તે પ્રથમ ટેસ્ટમાં રમ્યા નહતા. વોશિંગ્ટને મળેલી તક ઝડપી હતી અને તે જ દર્શાવે છે કે ભારત પાસે કેટલા કુશળ ખેલાડીઓ છે.
ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયને એડિલેડમાં પિન્ક બોલ ટેસ્ટ અગાઉ જણાવ્યું કે, ઓલ રાઉન્ડર મિચેલ માર્શ બોલિંગ કરે તે માટે હું આશાવાદી છું. પ્રથમ ટેસ્ટમાં માર્શ સંપૂર્ણ ફિટ જણાતો નહતો અને તેને પગલે તેનું બીજી ટેસ્ટમાં રમવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.SS1MS