APM ટર્મિનલ્સ પિપાવાવે જળ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/APM1-1024x768.jpg)
અઠવાડિયા લાંબી ઉજવણીમાં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે આસપાસના ગામડાઓમાં જળ સંરક્ષણના મહત્વ વિશે લોકોને જાગૃત કર્યા
પિપાવાવ, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે જળના સતત ઉપયોગ અને એના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે આસપાસના ગામડાઓ સાથે જોડાણ કરીને એક અઠવાડિયા સુધી જળ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરી હતી. દુનિયામાં માર્ચ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે,
જેનો ઉદ્દેશ દુનિયામાં તાજા પાણીનું મહત્વ અને મૂલ્ય વિશે જાગૃતિ લાવવાનો છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ચાલુ વર્ષે વિશ્વ જળ દિવસની પહેલ હાથ ધરી હતી, જેમાં પાણી પર સૂત્રોનું લેખન, કવિતાના લેખન અને ક્વિઝ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સહભાગી બનાવવા યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓને સામેલ કર્યા હતા. વિદ્યાર્થીઓને તેમના ગામડાઓ માટે “ઘરગથ્થુ પાણીનો હિસાબ” રાખવા જેવા પ્રોજેક્ટ પણ આપવામાં આવ્યાં છે.
આ અઠવાડિયા લાંબી ઉજવણીમાં નાની નાની ટુકડીમાં 200થી વધારે ખેડૂતો પણ સામેલ થયા હતા.
તેમને વિવિધ સત્રોમાં જળ સંરક્ષણ અને લણણીની વિવિધ ટેકનિક, સ્પ્રિન્કલરના ઉપયોગના ફાયદા અને લેસર ઇરિગેશન સિસ્ટમ પર જાણકારી આપવામાં આવી હતી. આ સત્રોમાં ખેડૂતો અને યુવાનોએ જળ સંરક્ષણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, “જળ કુદરતીની અમૂલ્ય ભેટ છે. ચાલુ વર્ષે વિશ્વ જળ દિવસ પર અમે જળ સંસાધનો કેવી રીતે જાળવવા અને જળ સંરક્ષણની દરેક તક કેવી રીતે ઝડપી લેવા એ વિશે જાગૃતિ લાવવા ઇચ્છતાં હતાં.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને જળનું સંરક્ષણ શા માટે મહત્વપૂર્ણ છે એ વિશે યુવાનોને જાણકારી આપવા અને એના વિશે જાગૃતિ લાવવાનો ગર્વ છે. અમે દરેકને સર્વોચ્ચ જવાબદારી સાથે આ કિંમતી સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. અમે તેમને એ પણ સમજાવ્યું છે કે, આપણે જળ સંરક્ષણ માટે જવાબદાર છીએ અને આગામી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું.”
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ આસપાસના ગામડાઓમાં ચેક ડેમનું નિર્માણ, લિફ્ટ ઇરિગેશન, રુફ રેઇનવોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ (આરઆરડબલ્યુએચએસ), કૃષિ જળાશયો, ગામડાના જળાશયોને ઊંડા કરવા અને સુરક્ષાત્મક દિવાલોનું નિર્માણ કરવા જેવા કાર્યો કરીને જળ સંચય અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ કામગીરી કરે છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે લેસર, ડ્રિપ અને સ્પ્રિન્ક્લર આધારિત સિંચાઈ જેવી સસ્ટેઇનેબલ કૃષિ પદ્ધતિઓ માટે વિવિધ પહેલ પણ હાથ ધરી છે, જેથી પોર્ટની આસપાસ 34 ગામડાઓમાં અત્યારે ચાલુ સમકાલિન વ્યૂહરચનાઓ સાથે પાણીના મહત્તમ વપરાશને પ્રોત્સાહન આપી શકાય.