Western Times News

Gujarati News

App દ્વારા થશે NPR માટે વસતી ગણતરી: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે. એનપીઆર અપડેશન માટે કેબિનેટ દ્વારા રૂ. 3900 કરોડના ફંડને પણ મંજૂરી આપી દીધી છે. આ નિયમ અંતર્ગત દરેક નાગરિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે NPR મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, કેબિનેટ માટે વસતી ગણતરી 2021 માટે 8,754.23 કરોડ અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ના અપડેશન માટે 3,941.35 કરોડને મંજૂરી મળી છે. કેબિનેટ બેઠકમાં સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદમાં પણ ભરતી કરવાની મંજૂરી આપી છે. રક્ષા સ્ટાફના પ્રમુખ તરીકે ફોર સ્ટાર જનરલ અધિકારીની પસંદગી કરવામાં આવશે અને તેઓ સૈન્ય મામલે વિભાગના પ્રમુખ પણ હશે. સ્વદેશ દર્શન યોજનામાં 2018-19 દરમિયાન સ્વીકૃત 10 યોજનાઓ માટે રૂ. 627 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપવામાં આવી છે.

આ વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, મંત્રીમંડળે વસતી ગણતરી 2021ના રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે કોઈ દસ્તાવેજ અથવા બાયોમેટ્રિકની જરૂર નથી. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન માટે 3,942.35 કરોડના ફંડને પણ મંજૂરી મળી છે. જાવડેકરે કહ્યું કે, વસતી ગણતરીનું કામ એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. વસતી ગણતરીમાં કોઈ દસ્તાવેજની જરૂર નથી. જે પણ ભારતમાં રહે છે તે દરેક લોકોની ગણતરી થશે. તે માટે એક ખાસ એપ તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અટલ ટનલ મનાલીથી લેહ સુધી બનાવવાની યોજના 2005માં શરૂ થઈ હતી. તેનું 80 ટકા કામ પુરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાત, હરિયામા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 5 વર્ષના સમયગાળા રૂ. 6000 કરોડના ફંડ સાથે અટલ જલ યોજનાને મંજૂરી આપી છે.

એનસીઆર માટે ડેટા 2010માં પણ ભેગા કરવામાં આવ્યો હતો જ્યારે 2011ની વસતી ગણતરી માટે આંકડા ભેગા કરવામાં આવ્યા હતા. આ ડેટાને 2015માં અપડેટ કરવામાં આવ્યા હતા. તેનું ડિજીટાઈઝેશન પણ પૂરી થઈ ગયું છે. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સ (વસતી ગણતરી) કમિશનરના જણાવ્યા પ્રમાણે, આસામને બાદ કરતાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસતી ગણતરીના આંકડા ભેગા કરવામાં આવશે. આ દરમિયાન એનપીઆરને પણ અપડેટ કરવામાં આવશે. આ માટે આ વર્ષે ઓગસ્ટમાં નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે.

એનપીઆરને નાગરિકતા કાયદો 1995 અને નાગરિકતા (નાગરિકોનું રજિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય ઓળખ પત્રનો મુદ્દો) નિયમ 2003 અંતર્ગત સ્થાનિક સ્તર પર એટલે કે જિલ્લા અને રાજ્ય સ્તર પર બનાવવામાં આવે છે. દેશના દરેક નાગરિક માટે તેમાં નામ નોંધાવવુ જરૂરી હોય છે. તેનો હેતુ દેશમાં રહેતા દરેક નાગરિતનો સમગ્ર ડેટાબેઝ તૈયાર કરવાનો હોય છે. આ ડેટાબેઝ જનસંખ્યા અને બાયોમેટ્રીક આધારે બનાવાવમાં આવે છે.

રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે એનઆરસી- તેના દ્વારા ગેરકાયદે લોકોની ઓળખ કરી શકાશે. એનપીઆર- 6 મહિના અથવા તેથી વધુ સમયથી એક વિસ્તારમાં રહેતા કોઈ પણ રેસિડન્ટ વ્યક્તિનું એનઆરપીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અથવા એવી વ્યક્તિ જે આગામી 6 મહિના સુધી તે જ જગ્યાએ રહેવાની ઈચ્છા રાખતા હોય, તેમણે પણ આ અંતર્ગત તેમની માહિતી આપવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.