સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ ૫૦૦૦ કેસનો ઝડપી નિકાલ લાવવા સુપ્રીમને અપીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Supreme-Court-order.jpg)
નવી દિલ્હી, દેશના હાલ ચાલુ અને ભૂતપૂર્વ એવા સંસદસભ્યો અને ધારાસભ્યો વિરુદ્ધ છેલ્લાં કેટલાંય સમયથી પેન્ડિંગ રહેલાં ૫૦૦૦ કેસને ધ્યાનમાં લેતા આ તમામ કેસના ઝડપી નિકાલ માટે આદેશ કરવા સુપ્રીમ કોર્ટને અપીલ કરાઇ છે.
સંસદસભ્યો અને ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયેલા ક્રિમિનલ કેસોના ઝડપી નિકાલની દાદ માંગતી કરાયેલી જાહેર હિતની અરજીઓના કિસ્સામાં કોર્ટ મિત્ર તરીકે નિયુક્ત થયેલા સિનિયર એડવોકેટ વિજય હન્સારીએ એવી દલીલ સાથે એક અરજી દાખલ કરી છે કે મોટાભાગે ધારાસભ્યો કે સાંસદો પોતાની વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં ખુબ દબાણ અને પ્રભાવ ઉભો કરે છે જેના કારણે તેઓ વિરુદ્ધ ચાલી રહેલી કોર્ટની કાર્યવાહી પૂરી થતી નથી.
‘નામદાર કોર્ટને વિનંતી કરુ છું કે દેશની આ સર્વાેચ્ચ અદાલત દ્વારા જુદા જુદા સમયે આદેશ કરાયા હોવા છતાં અને હાઇકોર્ટ દ્વારા ચાંપતી દેખરેખ રખાઇ હોવા છતાં હજુ પણ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ ખુબ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ રહેવા પામ્યા છે જે આપણા લોકતાંત્રિક માળખા ઉપર એક મોટો ઘા છે.
કેટલાંક કેસ તો દાયકાઓથી પેન્ડિંગ રહ્યા છે જે દર્શાવે છે કે ધારાસભ્યો અને સાંસદો પોતાની સામે ચાલી રહેલી તપાસમાં દબાણ કે પ્રભાવ ઉભો કરે છે જેના પગલે તેમની વિરુદ્ધ ચાલી રહેલી અદાલતી કાર્યવાહીનો અંત આવતો નથી’ એમ એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું.
દોષિત કે ગુનેગાર ઠરેલાં રાજકારણીઓ ઉપર આજીવન પ્રતિબંધ મૂકી દેવાની અશ્વિન ઉપાધ્યાય દ્વારા ૨૦૧૬માં ફાઇલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ દિપંકર દત્તા અને મનમોહન સોમવારથી હાથ ધરશે.
એડવોકેટ સ્નેહા કલિતા દ્વારા દાખલ કરાયેલી પોતાની એફિડેવિટમાં હન્સારીએ કહ્યું હતું કે દેશના સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ હાલ ૪૭૩૨ કેસ પેન્ડિંગ પડ્યા છે.SS1MS