બોટાદ શાળામાં ધો.૯ શરૂ કરવા કલેકટરને આવેદન: માગણી નહી સ્વીકારાય તો આંદોલનની ચીમકી

પ્રતિકાત્મક
બોટાદ, બોટાદમાં હરણકુઈ પ્રાથમિક શાળા નં.૭માં ધો.૯ શરૂ કરવાની માગ સાથે વાલીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને નિરાકરણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે શિક્ષણ માટે આંદોલન કરવાની ચિમકી આપી હતી.
બોટાદમાં હરણકૂઈ વિસ્તાર લગભગ રપ હજારની વસ્તી ધરાવતો વિસ્તાર છે તેમજ આ વિસ્તાર શ્રમજીવી હોવાથી વાલીગણ કોઈ પ્રાઈવેટ શાળામાં બાળકો ને શિક્ષણ અપાવી શકે તેવી સ્થિતિમાં ન હોય જેથી હરણકૂઈ વિસ્તારમાં આવેલી નગર પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં લગભગ ૧ર૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે
આ શાળામાં ધો.૮માં અંદાજિત દર વર્ષે ૧ર૦થી ઉપરની સંખ્યામાં બાળકો અભ્યાસપૂર્ણ કરે છે પરંતુ ત્યારબાદ આ વિસ્તારમાં એક પણ માધ્યમિક શાળા ન હોવાના કારણે લગભગ ૭૦ થી ૭પ જેટલા બાળકો ધો.૯માં કાયમ એડમિશન લેતા નથી જેમાં કન્યાની સંખ્યા ઘણી વધારે હોય છે
જેથી વાલીઓની માગ છે કે સરકાર કન્યા કેળવણી બાબતે ખુબ ઉત્તમ પ્રયત્નો કરે છે પરંતુ અમારા આ વિસ્તારમાં નજીકમાં એક પણ માધ્યમિક શાળા ન હોવાને કારણે સરકારના કન્યા કેળવણી નેમ પૂર્ણ થતી નથી તો હરણકુઈ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો.૯ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી માગ રહિશો કરી રહ્યા છે.