AMCની વિવિધ જગ્યાએ નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા
સહાયક સર્વેયર, સહાયક ફિમેલ હેલ્થ વર્કર, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા સહાયક સ્ટાફ નર્સની કુલ ૩૫૧ જગ્યાઓ ઉપર પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/ટીડીઓ, લાઈટ ખાતામાં તથા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અમદાવાદમાં સહાયક સર્વેયરની 54 જગ્યાઓ, સહાયક ફિમેલ હેલ્થ વર્કરની 292 જગ્યાઓ, સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની 4 જગ્યાઓ તથા સહાયક સ્ટાફ નર્સની જગ્યા 1 ઉપર પસંદગી પામેલ તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉદબોધન આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર તમામ જગ્યાએ યુવાનોને નોકરીઓની તક આપે છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ખૂબ મોટી સંખ્યામાં આજે યુવાનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે
અને ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની જગ્યા ઉપર વિવાદ સિવાય, લાયકાત ધરાવતા તથા યોગ્યતા ધરાવતા ઉમેદવારોને નોકરી મળી રહી છે.
નવ વર્ષોના સમયને યાદ કરતા મંત્રી શ્રીએ કહ્યું કે, ગુજરાત જે ગતિથી વિકાસ કરી રહ્યું છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક પ્રકારની વસ્તી, ગરીબ અને અમીર એવા તમામ લોકોને આરોગ્ય, રસ્તા, પાણી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોને ટાંકતા તેમણે કહ્યું કે “વિકાસ એટલે બનેલા રસ્તા પર ગરીબ અને અમીર એમ દરેક પ્રકારના લોકો ચાલી શકે.”
આ સાથે તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓની ઝડપી ભરતી કરવાનો હુકમ આપ્યો હતો. ત્યાર બાદ, ખૂબ જ ઝડપથી કર્મચારીઓની ભરતીની વ્યવસ્થા થાય તથા યોગ્ય મેરીટવાળા લોકો પ્રજાની સેવામાં આવે તે રીતે ગુજરાત સરકાર નોકરીઓમાં યુવાનોની ભરતી કરી રહી છે.
આ સાથે જ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું કે, નિમણૂક પામેલા ઉમેદવારો પ્રજાની સેવામાં આવે તો તેમણે ફક્ત નોકરીનો ભાગ ન સમજીને હક અને ફરજ એમ સિક્કાની બંને બાજુઓ ઉપર કામ કરવું. પ્રજાના આરોગ્યથી લઈને જરૂરિયાતમંદ લોકોનું કુપોષણ દૂર થાય તે માટેના મહત્વના કામ અને વ્યવસ્થા નિમણૂક પામેલા આરોગ્યના કર્મચારીઓ જોવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
કોરોના મહામારીના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આરોગ્યને લગતી સેવાઓને યાદ કરીને તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા. સાથે જ નિમણુક પામેલા બધા યુવાનો સમાજને સાથે લઈને ચાલે, પોતાની જવાબદારી પૂર્ણપણે નિભાવી તેવી આશા સાથે તેમણે સૌ નિમણૂક પામેલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલ, ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ઔડાના પૂર્વ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, દંડક શ્રી અરુણસિંહજી રાજપુત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ થેન્નારસન, પસંદગી પામેલ ઉમેદવારો, તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા.