અમદાવાદ અને વડોદરાની કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી
કુલ ૧૧,૧૦૦ જેટલા ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ માટે જમીન મળશે-બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ ૮.૪૫ હેક્ટર્સ
વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિગમ અપનાવ્યો છે.
આ હેતુસર મુખ્યમંત્રીશ્રી એ અમદાવાદ અને વડોદરાની કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે.
આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે. શ્રી ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ ૧૩૯/એ છારોડી -નારણપુરા-ખોડા અને ૧૩૯/બી છારોડીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર ૩ સેવાસી અને ૫૫/એ ગોરવા કરોડિયા નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની ૨ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગર પાલિકાની ૨ પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ ચાર ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૧૨.૪૩ હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે.
ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં ૩૬૦૦ અને ૧૩૯ બી માં ૫૪૦૦ મળી કુલ ૯ હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે. વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસી મા ૯૦૦ અને પ્રિલીમીનરી ટી.પી. ૫૫ એ ગોરવા કોરડિયા માં ૧૨૦૦ આવાસો બની શકશે.
બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમ માં કુલ ૯.૮૧ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૧૧.૫૫ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ ૪ સ્કીમમાં કુલ આશરે ૨૮.૨૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. તદઅનુસાર, ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં૧૩.૯૩ હેક્ટર અને ૧૩૯બી માં ૯.૬૧ હેક્ટર જમીન વેચાણ માટે સંપ્રાપ્ત થશે
વડોદરામાં બે પ્રીલીમીનરી ટી.પી. માં આજ હેતુસર કૂલ ૪.૭૫ હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, આગામી સમયમાં આ ચારેય સ્કીમ માં કુલ ૧૧,૧૦૦ EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.