પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો ? પાકને રોગ અને જંતુઓથી કેવી રીતે બચાવશો ?
પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટેના ઉપાયો વિશે જાણી લો
નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ફૂગનાશક દવા દ્વારા પાક અને જમીનને બનાવી શકાય છે રોગમુક્ત
જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવા આયામોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં વધુ અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. પરંતુ ઘણીવાર વિવિધ પ્રકારની જીવાતો, જીવજંતુઓ અને ફૂગના લીધે ખેડૂતોને ઉત્પાદન ઓછું કે નબળી ગુણવત્તા વાળું મળે છે. પ્રાકૃતિક ખેતીમાં પાકને રોગમુક્ત કરવા અને પાક સંરક્ષણ વધારવા માટેના ઉપાયો પણ ઉપલબ્ધ છે.
નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, ફૂગનાશક દવા દ્વારા ખેડૂતો પાકને જીવજંતુઓ અને રોગોથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે ઘરે જ બનાવી શકાય આ દવાઓ અને કયા રોગમાં કઈ દવાનો ઉપયોગ કરી શકાય ?
૧. નીમાસ્ત્ર:
ઉપયોગ :- ચૂસીયા પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે
બનાવવાની રીત: – પાંચ કિ.ગ્રા. લીમડાના લીલા પાન અથવા પાંચ કિ.ગ્રા. સૂકાયેલી લીંબોળી લઈને તેને ખાંડીને રાખવી. ૧૦૦ લીટર પાણીમાં આ ખાંડેલ લીમડો અથવા લીંબોળીનો પાવડર નાખવો. એમાં ૫ લીટર ગૌમૂત્ર અને ૧ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ ભેળવવું. લાકડીથી તેને મિશ્ર કરી ૪૮ કલાક સુધી ઢાંકીને રાખવું. દિવસમાં ત્રણ વખત હલાવવું અને ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળી લેવું. ત્યારબાદ તેનો પાક પર છંટકાવ કરવો.
૨. બ્રહ્માસ્ત્ર: ઉપયોગ :- કીટકો, મોટી જીવાતો અને ઈયળો માટે.
બનાવવાની રીત: ૧૦ લીટર ગૌમૂત્રમાં ૩ કિ.ગ્રા. લીમડાના પાન ખાંડીને નાખો. એમાં ૨ કિ.ગ્રા. કરંજના પાન નાખો. જો કરંજના પાન ન મળે તો ૩ કિ.ગ્રા. લીમડાના પાનની જગ્યાએ ૫ કિ.ગ્રા. લીમડાના પાન નાખો, તેમાં ૨ કિ.ગ્રા. સીતાફળના પાન ખાંડીને નાખો. ત્યાર બાદ તેમાં ૨ કિ.ગ્રા. સફેદ ધતુરાના ૨ કિ.ગ્રા. પાન ખાંડીને ઉમેરો. હવે આ મિશ્રણને ગૌમૂત્રમાં ભેળવી અને ઢાંકીને ઉકાળવું. આશરે ૩-૪ વખત ઉભરા આવ્યા પછી તેને ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠંડુ થવા દો. પછી કપડાથી ગાળીને કોઈ મોટા વાસણમાં ભરીને રાખો. આ થઇ ગયુ બ્રહ્માસ્ત્ર તૈયાર. ૧૦૦ લીટર પાણીમાં ૨-૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ કરો.
૩. અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર): ઉપયોગ :- વૃક્ષના થડ અથવા દાંડીઓમાં રહેતાં કીટકો, કળીઓમાં રહેતી જીવાતો, ફળોમાં રહેતી જીવાતો, કપાસના કાલામાં રહેતી જીવાતો તેમજ બધા પ્રકારની મોટી જીવાતો અને ઈયળો માટે ઉપયોગી.
બનાવવાની રીત: ૨૦ લીટર ગૌમૂત્ર લો, તેમાં અડધો કિ.ગ્રા. લીલા મરચા ખાંડીને નાખો. અડધો કિ.ગ્રા. લસણ ખાંડીને નાખો. ૫ કિ.ગ્રા. લીમડાના પાન ખાંડીને ઉમેરવા અને આ મિશ્રણને લાકડીથી હલાવવું અને એક વાસણમાં ઉકાળવું. આશરે ૪-૫ વખત ઉકાળ્યા પછી ઉતારી લો. ૪૮ કલાક સુધી તેને ઠંડુ પડવા દેવું. ૪૮ કલાક પછી આ મિશ્રણને કપડાથી ગાળીને એક વાસણમાં ભરીને રાખો. ૧૦૦ લીટર પાણીમાં ૨- ૨.૫ લીટરના પ્રમાણમાં ભેળવીને પાક પર છંટકાવ કરો.
૪. ફૂગનાશક દવા. ઉપયોગ :- ફૂગ અને ફૂગજન્ય રોગોથી પાકના બચાવ માટે
બનાવવાની રીત: ૧૦૦ લીટર પાણીમાં ત્રણ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને પાક ઉપર છંટકાવ કરો. આ ફૂગનાશક છે, સજીવક છે અને વિષાણુરોધક છે. ફૂગ જન્ય પાકરોગોમાં તે ખૂબ જ સારૂં કામ કરે છે. આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.