Western Times News

Gujarati News

અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં અમિત શાહ-પાટીલને મળ્યા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે નવા અધ્યક્ષ કોણ હશે એની અટકળો શરૂ થઈ હતી.

આ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના ભાજપના નેતાઓના દિલ્હીમાં આંટાફેરા શરૂ થયા હતાં અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ દિલ્હી ખાતે અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે મુલાકાત કરતાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળોએ જોર પકડ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપની જ ટીકિટ પર પોરબંદરથી વિધાનસભાની પેટાચૂંટણી લડીને જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા હતાં. ત્યારે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૂંટણી બાદ વહેતી થયેલી અટકળોમાં એવું ચર્ચાતુ હતું કે, અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો હતો.કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરેલી મુલાકાતને કેટલાક રાજકીય સૂત્રો શુભેચ્છા મુલાકાત કહી રહ્યાં છે.

ગુજરાત ભાજપના નવા સુકાનીને લઈને હાલ કોંકડું ગુંચવાયેલું છે. બીજી તરફ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ત્યારે રાઘવજીની મુલાકાત બાદ રાજકારણ ચર્ચાઓ ચડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.