ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ હાથ ધર્યું મોટું ઓપરેશન

નવી દિલ્હી, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૦ ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં.
આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, ૧૪ મેના દિવસે અસમ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કાર્પ્સ હેઠળ ન્યૂ સમતાલ ગામ, ખેંગજાય તહસીલમાં આ ઓપરેશન લાન્ચ કર્યું હતું.
આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે અવાર-નવાર ઉગ્રવાદી ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર, ‘ઓપરેશન દરમિયાન જ્યારે સૈનિકોએ વિસ્તારમાં નાકાબંધી કરી, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો.
જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ વ્યૂનીતિ સાથે ફાયરિંગ શરૂ કર્યું. આ અથડામણમાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિસ્ફોટક પણ જપ્ત કરવામાં આવ્યા છે.’SS1MS