રાજ્યની વિવિધ GIDCમાં અંદાજે 1800 હેક્ટર વણવપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે. આવા ફાળવાયેલા પ્લોટધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે.
આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે. આ સંજોગોમાં પ્લોટધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે પ્રોત્સાહિત થતાં નથી અને પ્લોટની જમીન વણવપરાયેલી પડી રહે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ સ્થિતિનું સકારાત્મક નિવારણ લાવવા ઉદાર પોલીસી અપનાવવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટધારકે ફાળવણી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના તફાવતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી એવી અંદાજે 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે. એટલું જ નહિ, આર્થિક વિકાસ સાથે રોજગાર સર્જનને પણ વેગ મળશે.