સમૂહલગ્નમાં અમદાવાદનાં અંદાજે 500 યુગલોએ દાંપત્યજીવનની શરૂઆત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/21-3-1024x682.jpeg)
લગ્ન એ બે પરિવારનો પ્રસંગ છે, પરંતુ સમૂહલગ્ન સમગ્ર સમાજ વચ્ચેનું સ્નેહબંધન બની જાય છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ઈજતિમાઈ નિકાહ (સમૂહ લગ્ન) કાર્યક્રમ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા ઈજતિમાઈ નિકાહ (સમૂહ લગ્ન) કાર્યક્રમ 2024નું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નમાં અમદાવાદના 500 યુગલોએ દાંપત્યજીવનની શરૂઆત કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, લગ્ન એ બે પરિવારનો પ્રસંગ છે પરંતુ સમૂહલગ્ન સમગ્ર સમાજ વચ્ચેનું સ્નેહબંધન બની જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમૂહલગ્ન હાલના સમાજની સૌથી મોટી માંગ છે, જેમાં ગરીબ અને અમીરના કોઈપણ ભેદભાવ વગર તમામ લોકો એકત્રિત થઈને ઉમંગ અમે ઉલ્લાસ સાથે નવજીવનની શરૂઆત કરે છે. સમૂહલગ્ન સમાજ માટે પ્રેરણારૂપ બનતા હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ નવદંપતિઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશના અમૃતકાળમાં યુગલોનું દાંપત્યજીવન અમૃત સમાન બની રહે તેવી શુભકામના પાઠવું છું. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.