પરણવા ગેરકાયદે ભારત આવેલી પાકિસ્તાની યુવતીની ધરપકડ
નવી દિલ્હી, કહેવાય છે કે, પ્રેમને કોઈ બંધન કે સીમાડા નડતાં નથી. એકબીજાને પામવા માટે પ્રેમીપંખીડા ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે.
હાલમાં આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશમાં નોંધાયો હતો, જ્યાં એક યુવક સાથે પ્રેમમાં પડેલી પાકિસ્તાની યુવતી તેની સાથે રહેવા લગ્ન માટે ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી આવી હતી. આટલું જ નહીં યુવકે ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને તેનું આધારકાર્ડ બનાવી લીધું હતું અને પાસપોર્ટ માટે અરજી પણ કરી દીધી હતી.
જાે કે, આ વાતની જાણ જ્યારે કેન્દ્રીય જાસૂસી એજન્સીઓને થઈ તો અધિકારીઓ તેના સુધી પહોંચ્યા હતા અને ધરપકડ કરી હતી, આ સિવાય ગેરરીતિ આચરવાના કેસમાં યુવકને પણ ઝડપ્યો હતો. સમગ્ર કેસની વાત કરીએ તો, ઓનલાઈન લુડો ગેમ રમતી વખતે પાકિસ્તાનની ઈકરા નામની ૧૯ વર્ષની યુવતીને ઉત્તરપ્રદેશમાં રહેતા મુલાયમ સિંહ યાદવ નામના ૨૫ વર્ષના યુવક સાથે પ્રેમ થયો હતો.
એકબીજાના પ્રેમમાં પાગલ આ પ્રેમીપંખીડાએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તે મુજબ યુવતી પાકિસ્તાનમાં તેના પરિવાર અને ઘરને છોડી નેપાળથી ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. અહીં તે મુલાયમને મળી હતી. પરિવાર આ સંબંધને નહીં સ્વીકારે તેવા ડરથી તેઓ બેંગાલુરુ રહેવા જતાં રહ્યા હતા.
જ્યાં તેઓ જુન્નાસંદ્રામાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. મુલાયમે પોતાનું નામ બદલીને રવા કરી દીધું હતું અને ઈકરાનું આધાર કાર્ડ બનાવી પાસપોર્ટ માટે અરજી આપી હતી. તેમની આ હરકત ત્યારે ઝડપાઈ જ્યારે ઈકરાએ પાકિસ્તાનમાં રહેતા પરિવાર સાથે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વાતની જાણ થતાં જ કેન્દ્રીય જાસૂસી એજન્સીઓે રાજ્યની પોલીસને સતર્ક કરી હતી. ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસવાના આરોપમાં યુવતીની જ્યારે ખોટા દસ્તાવેજ રજૂ કરવા માટે યુવકની ધરપકડ કરી હતી.
આગળની તપાસ ન થાય ત્યાં સુધી યુવતીને સરકારી મહિલાગૃહમાં મોકલી દેવામાં આવી છે. આ પહેલા પણ પાકિસ્તાની મહિલા હૈદરાબાદમાં રહેતા પ્રેમીને મળવા માટે સરહદ પાર કરીને આવી હતી. ત્યારે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.SS1MS