ઓઢવમાં બોગસ પત્રકારની ધરપકડ, પાસા હેઠળ ધકેલાયો
પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ખંડણી વસુલતો હતો
(એજન્સી)અમદાવાદ, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં બની બેઠેલા બોગસ પત્રકારોએ પ્લાસ્ટિકના વેપારીઓને પત્રકારોની ઓળખ આપીને કારખાનું બંધ કરાવી દેવાની ધમકીઓ આપીને બળજબરીથી રૂપિયા પડાવી લુંટ ચલાવી હતી.
જેમાં બંને પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા બોગસ પત્રકારો સામે વેપારીઓએ ફરીયાદ નોધાવી હતી. જેના આધારે પોલીસે અગાઉ પાંચ જેટલા બોગસ પત્રકારોની ધરપકડ કરી હતી. ત્યારે વધુ એક પત્રકારની ધરપકડ કરી તેને પાસા કરીને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો.
ઓઢવ પોલીસે બોગસ પત્રકાર આરોપી દીપક ઉર્ફે પપ્પુ ડાભીને ઝડપી પાડયો છે. જેમાં આરોપીએ નિકોલમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા વેપારીઓને ત્યાં જઈને ખાનગી ન્યુઝ પેપરના તંત્રી હોવાનું જણાવી પ્લાસ્ટિક પર સરકાર દ્વારા પ્રતીબંધ છે તેમ છતાં પ્લાસ્ટીકની ચમચીઓ બનાવો છો.
કહીને ધંધો ચાલુ રાખવા રૂપિયાની માંગણી કરી અને કારખાનું બંધ કરાવી દેવાની ધમકી આપીને બળજબરીથી રૂપિયા કઢાવી લુંટ ચલાવી હતી. આ અંગે વેપારીઓએ ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે બોગસ પત્રકારને ઝડપી પાડીને પાસા કરીને રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.