કાશ્મીરમાં કલમ ‘૩૫એ’થી લોકોના મૂળભૂત હક છીનવાયાઃ સુપ્રીમ કોર્ટ
પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી પડી
(એજન્સી)નવી દિલ્હી, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની ફરજ પડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓની સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, આ ર્નિણય સાથે જમ્મુ અને કાશ્મીરને દેશના બાકીના ભાગોમાં સંપૂર્ણપણે વિલીન કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે, આ સાચું છે કે કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી છે.
પરંતુ આનાથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે.આ દરમિયાન તેમણે કલમ ૩૫એનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ કરે છે. ત્યાં રહેતા લાખો લોકોને મતદાન, શિક્ષણ અને સમાન રોજગારની તકો જેવા મૂળભૂત અધિકારો પણ મળ્યા નથી.
તેમણે કહ્યું કે, ચીફ જસ્ટિસે પણ સ્વીકાર્યું છે કે કલમ ૩૫એ લોકો સાથે ભેદભાવ કરતી હતી. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના ર્નિણયને સાચો ગણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ પછી એવો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી, જેનાથી બંધારણનું ઉલ્લંઘન થયું હોય.
રાજ્યની બે મોટી પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ કેન્દ્રના ર્નિણય વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. બંને પક્ષોનું કહેવું છે કે, આના કારણે રાજ્યની સ્વાયત્તતા છીનવાઈ ગઈ છે. તેના પર કેન્દ્ર સરકારે કહ્યું કે સત્ય એ છે કે કલમ ૩૭૦ હટાવ્યા પહેલા લોકોને ઘણા મૂળભૂત અધિકારો નહોતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના ગૌરવના નામે આ પક્ષોએ હંમેશા લોકોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે.