‘આર્ટિકલ ૩૭૦’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું સત્ય સ્વરૂપ જાણવા મળ્યું : રાજ્યપાલ

‘આર્ટિકલ ૩૭૦’ ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ ને કારણે લોકોને કેટલીય પરેશાની ભોગવવી પડી છે તેનો તાદ્રશ્ય અને વાસ્તવિક ચિતાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંગળવારે રાત્રે ગાંધીનગરના સિટીપલ્સ સિનેમા મગૃહમાં ફિલ્મ ‘આર્ટિકલ ૩૭૦’ નિહાળી હતી. ફિલ્મથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અનુચ્છેદ ૩૭૦ની અસરોને તોડી-મરોડીને દર્શાવવામાં આવી રહી હતી, જે વાસ્તવિકતાથી વિપરીત હતું.
વર્તમાન સરકારે કાયદા અને કાનૂનના આધારે વિધિવત આર્ટીકલ ૩૭૦ સમાપ્ત કરીને જમ્મુ-કાશ્મીરના એવા લોકો કે જે અત્યાર સુધી ભારતીયોને મળતી સુવિધાઓથી વંચિત રહ્યા હતા; તેમને તેમના અધિકારો આપવાનું કામ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારે સુઆયોજિત રીતે આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો હતો એને કાયમ માટે સમાપ્ત કરવાનો પણ એક માર્ગ પ્રસ્તુત થયો છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘આર્ટિકલ ૩૭૦’ ફિલ્મ દ્વારા જમ્મુ-કાશ્મીરનું સત્ય સ્વરૂપ જાણવા મળ્યું છે. જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા આ ફિલ્મ જોવી જોઈએ.