આ કારણસર સૌરવ ગાંગુલીને IPLના પ્રમુખપદેથી દૂર કરાયા અને બિન્નીની પસંદગી
IPLના ચેરમેન અરુણસિંહ ધૂમલ I&B મિનિસ્ટર અનુરાગસિંગના ભાઈ છે.
મુંબઈ, ‘બડે બેઆબરુ હોકર તેરે કુચે સે હમ નિકલે, મય ભી મયસ્સર નહીં કિ દિલ સે મેરે ગમ નીકલે…’ મિર્ઝા ગાલિબનો આ શેર અત્યારે સૌરવ ગાંગૂલી ઉપર એકદમ ફિટ બેસી રહ્યો છે. જે ભારતીય ક્રિકેટ બોર્ડને ગાંગૂલીએ ત્રણ વર્ષ સુધી ચલાવ્યું ત્યાં હવે તેની કોઈ જ જગ્યા રહી નથી. 11 ઑક્ટોબરે મળેલી વાર્ષિક બેઠકમાં ગાંગૂલી ઉપર અનેક આંગળીઓ ચીંધાઈ હતી. તેમના કામકાજની રીતભાત ઉપર જ સવાલો ઉપસ્થિત થઈ ગયા હતા.
બીસીસીઆઈનું એક ગ્રુપ ગાંગૂલી સામે સદંતર નારાજ જોવા મળ્યું હતું મતલબ કે આખી મિટિંગ દરમિયાન દાદા સાવ અલગ-થલગ પડી ગયા હતા. ચહેરા ઉપર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ગાંગૂલી બોર્ડના પ્રમુખ બનવા માંગતા હતા પરંતુ તેમને સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી એટલા માટે જ ગાંગૂલી બોર્ડના આ નિર્ણયથી અત્યંત નાખુશ હતા.
● દાદાને IPL ચેરમેન બનવાની ઑફર કરાઈ’તી જે તેમણે ઠુકરાવી દીધી: એક નહીં અનેકવાર ગાંગૂલીએ એવી બ્રાન્ડસનું સમર્થન કર્યું જે BCCI ના સત્તાવાર સ્પોન્સરની હરિફ હતી; આ કારણ તેમની રવાનગી માટે મુખ્ય હોવાનો ગણગણાટ
ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી ગાંગૂલીનો સામાન પેક થઈ ચૂક્યો છે. બીસીસીઆઈ હેડક્વાર્ટર બહાર દેશના અલગ-અલગ ક્રિકેટ એસોસિએશનથી આવેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. સૌરવ ગાંગૂલીના ભવિષ્યને લઈને અંદરોઅંદર ચર્ચાઓ પણ ચાલી રહી હતી. કોઈ કહી રહ્યું હતું કે તેમની કોલકત્તા વાપસી થઈ જશે. કોઈએ બીજીવાર દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીમાં જશે તેવી વાતો પણ કહી નાખી હતી.
સ્પષ્ટ હતું કે ગાંગૂલી હવે કશુંક ગુમાવવાના હતા જેનો અંદાજ કદાચ તેમને પણ હતો. પાછલી કારોબારીમાં લગભગ તમામ સદસ્યોને બીજી તક અપાઈ હતી માત્ર ગાંગૂલી અને સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જ સિવાય. સૂત્રોનું કહેવું છે કે ગાંગૂલીએ પોતાની નારાજગી છુપાવવાની કોઈ કોશિશ પણ કરી નથી. જૂના પ્રમુખ નવા પ્રમુખનું નામ પ્રસ્તાવિત કરે છે પરંતુ ગાંગૂલીએ રોજર બિન્નીના નામનો પ્રસ્તાવ પણ મુક્યો નહોતો.
બીસીસીઆઈ ઑફિસના એક સભ્યએ જણાવ્યું કે ગાંગૂલી શરૂઆતથી જ પરેશાન દેખાઈ રહ્યા હતા. તેઓ હતાશ અને નિરાશ હતા. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે હેડ ક્વાર્ટરમાંથી નીકળનારા અંતિમ વ્યક્તિ હતા. તેઓ ઝડપથી પોતાની કારમાં બેસીને રવાના પણ થયા હતા. ઉમેદવારીના એક દિવસ પહેલાં અનૌપચારિક બેઠકોમાં ગાંગૂલીને જણાવાયું હતું કે તેમનું પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નથી.
ગાંગૂલી બોર્ડપ્રમુખ તરીકે યથાવત રહેવા માગતા હતા પરંતુ તેમને આવું કોઈ જ ચલણ નહીં હોવાનું કહી દેવાયું હતું. પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ અને હાલ બીસીસીઆઈ ટીમના મેન્ટોર એન.શ્રીનિવાસન ગાંગૂલીના આકરા ટીકાકાર છે. ગાંગૂલી ઉપર આરોપ લાગ્યા હતા કે તેમણે એવી બ્રાન્ડસનું સમર્થન કર્યું જે બીસીસીઆઈના સત્તાવાર સ્પોન્સરની હરિફ હતી. આ મુદ્દો ઘણીવાર સભ્યો વચ્ચે ચર્ચાનો વિષય રહેતો હતો. પહેલાં પણ આ મુદ્દાને અનેકવાર ઉઠાવાયો હતો.
ક્રિકેટ બોર્ડની સંભવિત નવી ટીમ
► પ્રમુખ : રોજર બિન્ની (પહેલાં સૌરવ ગાંગૂલી હતા)
► આઈપીએલ ચેરમેન : અરુણસિંહ ધૂમલ (પહેલાં રાજીવ શુક્લા હતા)
► ઉપપ્રમુખ : રાજીવ શુક્લા (પહેલાં પણ તેઓ જ હતા)
► સચિવ : જય શાહ (પહેલાં પણ તેઓ જ હતા)
► સંયુક્ત સચિવ : દેવજીત સૈકિયા (પહેલાં જયેશ જ્યોર્જ હતા)
► ખજાનચી : આશીષ શેલાર (પહેલાં અરુણસિંહ ધૂમલ હતા)