Western Times News

Gujarati News

ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત  અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

અંતરિયાળ-દૂર દરાજના ગામોના લોકોને નજીકના સ્થળે આરોગ્ય સારવાર સુવિધા માટે સરકારનો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

– શિક્ષણ – આરોગ્ય – કનેક્ટિવિટી – પાણી પુરવઠો પાયાના ક્ષેત્રોની શ્રેષ્ઠ સુવિધા નાનામાં નાના માનવી સુધી સરળતા એ પહોંચાડવાનો એપ્રોચ આ સરકારનો છે.

મોડાસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસપોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોના ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ અને દૂર દરાજના ગામોના લોકોને નજીકના સ્થળે જરૂરિયાતના સમયે આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના નિર્માણનો અભિગમ અપનાવ્યો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર 43 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા સાથે 125 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપ ગ્રેડ  કરવામાં  આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ હોસ્પિટલ સહિત અરવલ્લી જિલ્લાને એક જ દિવસમાં 282 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની  ભેટ આપતા સંબોધન કરી રહ્યા હતા.

તેમણે મોડાસામાં રૂ.15 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટ, 140 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગો, સમરસ કન્યા અને કુમાર છાત્રાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નગર પાલિકા ના વિકાસ કામો , શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વગેરેના લોકાર્પણ ખાતમુહૂર્ત મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં સર્વાંગી વિકાસની યાત્રા છેક છેવાડાના ગામો સુધી વિસ્તરી છે. ગામડાઓમાં પણ હવે 24 X 7 વીજળી, સુદ્રઢ રોડ કનેક્ટિવિટી અને આરોગ્ય સેવાઓ પહોંચ્યા છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જિલ્લા મથકો જેવી જ સિવિલ હોસ્પિટલો જરૂરિયાત મુજબના તાલુકાઓમા બને તે માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારે ઉભી કરવાનું આયોજન હાથ ધર્યું છે.

16 તાલુકાઓમાં આવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો 100-100 બેડની સુવિધા અને વિવિધ રોગ નિષ્ણાંતોની સેવા સાથે કાર્યરત છે. આ વર્ષે આદિજાતિ વિસ્તાર નિઝર અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આવી હોસ્પિટલ ઉભી કરાશે.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી એ શિક્ષણ, આરોગ્ય, આવાસ, કનેક્ટિવિટી, પાણી પુરવઠા જેવા પાયાના ક્ષેત્રોની શ્રેષ્ઠ સુવિધા નાનામાં નાના માનવીને સરળતાથી પહોંચાડવાનો એપ્રોચ અપનાવ્યો છે.

એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા આઇકોનિક બસપોર્ટ અને અદ્યતન સમરસ છાત્રાલયો તેના ઉદાહરણ છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે દીકરા-દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન અને સહાય માટે શરૂ કરેલી નમોલક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે અરવલ્લી જિલ્લાના લોકોને યુનિવર્સિટી મળે તે માટે  રાજ્યમંત્રી શ્રી ભીખુ સિંહજીએ કરેલી માંગણી અંગે વિચારણા કરવાનો સંકેત પણ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@2047 ના નિર્માણ માટે આપેલા નવ સંકલ્પોનો પુનરોચ્ચાર કરીને સૌ નાગરિકો આ સંકલ્પો પાર પાડવામાં સહયોગ કરે તેવું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રતિક રૂપે સહાય-સાધન વિતરણ પણ કર્યા હતા.

આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું કે, આજનો કાર્યક્રમ ઐતિહાસિક છે. આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. આપણી ગુજરાત સરકારએ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસમાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારએ તમામ ક્ષેત્રે નાગરિકોની સુખાકારી માટે નિર્ણયો કર્યા છે.  અરવલ્લી જિલ્લામાં ધર્મતંત્ર અને , પ્રજાતંત્ર અને રાજતંત્રનો સમન્વય જોવા મળે છે. રાજ્યની તમામ શાળાઓ સ્માર્ટ બને તે માટે અમે  સતત પ્રયત્નશીલ છીએ. આપણી શાળાના બાળકો ટેક્નોલોજીથી વંચિતના રહી જાય તે માટે તમામ શાળાઓને ટેક્નોલોજીથી જોડી રહ્યા છીએ.

અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારએ જણાવ્યું કે, ગુજરાત મોડલ દેશભરમાં પ્રસિદ્ધ થયું છે. આજે આપણે સૌ સાથે મળીને રૂ.282.78 કરોડના વિકાસના સોપાનોનો ભાગ બનવા જઈ રહ્યા છીએ. આ તમામ વિકાસકાર્યો જિલ્લાની વિકાસની નવી દિશા આપશે. મંત્રીશ્રી મેશ્વો ડેમ પર પાકો રોડ બનાવવા, જિલ્લામાં યુનિવર્સિટી બનાવવા માંગણી કરી.

આ લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા, બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ, અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘ ,વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર એમ. નાગરાજન , જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા સહિત  પદાધિકારીઓ, અધિકારીઓ , કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસા ખાતે નવનિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે માતરમ્ બસપોર્ટની મુલાકાત લીધી.  ઉપરાંત લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના લોકસંપર્ક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 

મુખ્યમંત્રી શ્રી મોડાસા ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.