સરકારે પ્રાચીન વાવની અવગણના કરી, ગ્રામજનોએ ગંદકી દૂર કરી દિવડા પ્રગટાવ્યા

વાવની અવગણના કરાતા સ્થાનિકોમાં નારાજગી -સાઠંબામાં પ્રાચીન વાવ પાસેથી ગંદકી દૂર કરી દિવડા પ્રગટાવાયા
વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી વેળા ગ્રામપંચાયત દ્વારા સફાઈ કામ કરાયું
મોડાસા, અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રાચીન ઐતિહાસિક વિરાસતો, સ્થળો પૈકીની એક બાયડ તાલુકાના ગામ સાઠંબામાં આવેલી પ્રાચીન વાવની પુરાતત્ત્વ વિભાગ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી સમયે સ્થાનિક ગ્રામ પંચાયતની વાવની સફાઈ કરી દિવડાઓ પ્રગટાવી રોશનીનો ઝગમગાટ કર્યો હતો.
વાવની ફરતે પુરાતત્ત્વ વિભાગે સંરક્ષણ અર્થે લોખંડની ગ્રીલ કે ફેન્સીંગ કરી ન હોઈ ગંદકીના ઢગ ખડકાઈ ગયા છે ત્યારે વર્લ્ડ હેરિટેજ સપ્તાહ નિમિત્તે સાઠંબા ગ્રામ પંચાયતે અન્ય સંસ્થાઓની મદદથી સાફ સફાઈ કરાવી હતી અને રોશની કરી હતી પરંતુ આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) પુરાતત્ત્વ વિભાગે આ ઐતિહાસિક વાવની અવગણના કરી છે. એટલે ગ્રામજનો રોષે ભરાયા છે.
અરવલ્લી જિલ્લામાં ૧૦થી વધુ વાવની આવી જ અવદશા છે તેમાં મોડાસા નગરની વણઝારી વાવનો સમાવેશ થાય છે. આ વણઝારી વાવ ધાર્મિક કોતરણી સહિતની ઐતિહાસિક વાવ હોવા છતાં પુરાતત્ત્વ વિભાગ આ વણઝારી વાવની અવગણના કરે છે જેથી ત્યાં ગંદકીના ઢગ જામ્યા છે. આ વાવથી નજીકના લોકો હેરાન-પરેશાન થઈ હાલાકી ભોગવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવા માંગ
બ્રૃહદ સાબરકાંઠા જિલ્લામાંથી વર્ષ ૨૦૧૩માં ૬ તાલુકા બનાવી ૬૮૨ ગામોના વિસ્તારને અરવલ્લી જિલ્લો નામ આપી આ નવા નવરચિત જિલ્લાની રચના થઈ હતી. જેમાં જિલ્લાનું વડુ મથક મોડાસા જાહેર કરાયું હતું.
આ મોડાસા તાલુકા અને ધનસુરા તાલુકાને જાેડતી ૩૧-મોડાસા વિધાનસભા બેઠકનો વિસ્તાર છેલ્લાં કેટલાય વર્ષોથી રાજકીય ઉપેક્ષાનો ભોગ બની રહ્યો છે. આ મોડાસા, ભિલોડા અને બાયડ એમ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો જિલ્લા બે ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. તેમાં મોડાસા ખાતે સર્વાંગી વિકાસ થયેલ નથી.
ઉધોગો તથા જીઆઈડીસીનો વિકાસ થયો નથી, તેનો વિકાસ જરૂરી છે. નવરચિત અરવલ્લી જિલ્લો થયે ૯ વર્ષ થઈ ગયા હોવા છતાં સિવિલ હોસ્પિટલ હજુ સુધી શરૂ થઈ નથી.
મોડાસા વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો ૧ લાખ ઉપરાંત હોઈ તેમનું વર્ચસ્વ અને પ્રભુત્વ છે.