બાળપણથી ગુજરાતમાં વસતા તમિલિયન તરીકે સવિતા પ્રભાકરન માટે ગુજરાત તથા ગુજરાતી ભાષા પ્રત્યે પોતીકા હોવાનો લગાવ
ગુજરાતમાં સ્થાયી થઈને, રોજગારી મેળવીને, ગુજરાન ચલાવતો એક તમિલ પરિવાર
ભારતની સાંસ્કૃતિક વિભિન્નતાઓ વચ્ચે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતો કાર્યક્રમ એટલે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’
ભારતના દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્ય અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વચ્ચે પ્રાદેશિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ભાષાકીય વિભિન્નતાઓ જોવા મળે છે. ‘વિવિધતામાં એકતા’ સૂત્રને સાકાર કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાથી પ્રેરિત આ કાર્યક્રમમાં સંગમ અને સમન્વયનો ઉત્સવ જોવા મળી રહ્યો છે.
એક તમિલિયન તરીકે સવિતા પ્રભાકરનનો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો; પરંતુ તેમના લગ્ન પોંડીચેરીમાં રહેતા યુવાન પ્રભાકરન સાથે કરવામાં આવ્યા. લગ્ન બાદ તેઓ પોંડીચેરીમાં સ્થાયી થયા પરંતુ આકસ્મિક કારણોસર સવિતાને તેમના કુટુંબ સાથે ગુજરાત પરત ફરવું પડ્યું. સવિતાના પિતાજી લેબલ પ્રિન્ટિંગનું પ્રેસ ચલાવતા પરંતુ તેમના મૃત્યુ બાદ આ કામ સવિતાના પતિ પ્રભાકરનના માથે આવ્યું.
સવિતાના કહેવા પ્રમાણે, ગુજરાત અને તામિલનાડુ વચ્ચેની કડી તેઓ બન્યા છે. મૂળરૂપે સોમનાથ તથા દ્વારકામાં આયોજિત કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ તમિલ તથા ગુજરાતી કમ્યુનિટીના લોકો માટે મોટો અવસર છે. વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થવાથી ગુજરાતી ભાષા પણ તેમના માટે માતૃભાષા જેવી બની ગઈ છે.
તેમના માટે ગુજરાતી અને તમિલ ભાષા બંને તેમના માટે પોતીકી બની ગઇ છે. ગુજરાતમાં રહેતા તમિલ લોકો માટે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ઉત્સવ જેવો છે, જેમાં ગુજરાતમાં વસતા તમિલ લોકો સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચેના ભેદભાવને ભુલાવીને એકબીજા સાથે મળીને સંસ્કૃતિ અને પરંપરાગત ભાષાકીય ભેદભાવ ભૂલાવીને હળીમળીને રહે છે.
સવિતા પ્રભાકરન ગુજરાત સરકારના સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આ કાર્યક્રમનની રૂપરેખા અને તેનું આયોજન જે રીતે કરવામાં આવી રહ્યું છે તેનાથી સૌરાષ્ટ્ર અને તમિલ લોકોની વચ્ચે જે ભાઈચારા અને મિત્રભાવનું સિંચન થયું છે, તે વધારે મજબૂત થશે, એવું તેમનું માનવું છે.
ગુજરાત અને તામિલનાડુ વચ્ચેના 1200 વર્ષ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના કારણે મૂળ તામિલનાડુથી ગુજરાતમાં સ્થાયી થયેલા લોકોને પોતાની માતૃભૂમિ સાથે સંગમ કરાવવાના હેતુથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું તારીખ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આયોજન કરવામાં આવ્યું છે.