Western Times News

Gujarati News

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક

ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે અને વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કાર્યરત ડૉ. હર્ષદ પટેલનું છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય યોગદાન

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. શ્રી ડૉ. હર્ષદ એ. પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હીની અધિસૂચના;

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ ૨૦૧૯ થી ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે શ્રી ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. ડૉ. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા શ્રી ડૉ. હર્ષદ એ. પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્યરત શ્રી ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડૉ. હર્ષદ એ. પટેલે એસ.યુ.જી. કોલેજ ઑફ એજ્યુકેશનમાં અધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખામાં પીએચડી કક્ષાના માર્ગદર્શક, પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢના ડિપાર્ટમેન્ટ ઑફ કૉરસપોન્ડન્સના માર્ગદર્શક તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શક તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

રાષ્ટ્રીય કક્ષાએ એન.સી.ઈ.આર.ટી. તથા એનસીએફ-ઈસીસીઈ ના સભ્ય તરીકે તથા ઈન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામમાં તેમણે મહત્વની સેવાઓ આપી છે એટલું જ નહીં નેશનલ ફોકસ ગ્રુપ માં પણ તેઓ નોંધપાત્ર પ્રદાન આપી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના બી.એડ., એમ.એડ. અને ટીચર એલિજીબીલીટી ટેસ્ટના અભ્યાસક્રમોની રચનામાં પણ શ્રી ડૉ. હર્ષદ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવા સંસ્થાઓમાં પણ તેમણે તજજ્ઞ તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ખેડૂતપુત્ર એવા શ્રી ડૉ‌ હર્ષદ એ. પટેલે પૂજ્ય ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષમાં ‘બાપુ સ્કૂલમેં’ અભિયાન અંતર્ગત રાજ્યના દોઢ લાખથી વધુ યુવાનોને પૂજ્ય ગાંધીજીના મહાવ્રતો સાથે જોડ્યા હતા. પસંદગી સમિતિએ મોકલેલા ત્રણ નામોમાંથી કુલધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની પસંદગી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.