RTEમાં રાજ્યના ૧.૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત
અમદાવાદ, રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યના ૨.૩૫ લાખ જેટલા વાલીઓએ ધોરણ-૧માં પ્રવેશ માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૧.૭૨ લાખ ફોર્મ માન્ય રહ્યા હતા. આ માન્ય રહેલા ફોર્મ પૈકી શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ૪૦૬૫૦ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
એટલે કે માન્ય રહેલા ફોર્મ પૈકી ૧.૩૨ લાખ જેટલા વાલીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ની પ્રવેશ માટે બેઠકોની ગણતરીમાં ગતવર્ષનો ક્વોટા ધ્યાને લેવામાં આવ્યો હોવાના લીધે બેઠકો ખુબ જ ઘટી ગઈ હતી.
એક સમયે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન ની બેઠકો એક લાખ સુધી થઈ હતી, પરંતુ ધોરણ-૧માં ૬ વર્ષે પ્રવેશના નિયમના પગલે ધોરણ-૧માં ઓછા થયેલા પ્રવેશના લીધે આ વખતે રાઈટ ટુ એજ્યુકેશન ના વિદ્યાર્થીઓને ઓછી બેઠકોના લીધે પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોની ૨૫ ટકા પ્રમાણે ધોરણ-૧માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં ચાલુ વર્ષે રાજ્યની ૯૮૨૮ પ્રાથમિક સ્કૂલોની ૪૫૧૭૦ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૨૩૫૩૮૭ જેટલા ફોર્મ ભરાયા હતા.
ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. તમામ ફોર્મની ચકાસણીના અંતે ૧૭૨૬૭૫ જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે ૧૫૩૧૯ ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા.
જ્યારે ૪૭૩૯૩ જેટલા ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી સહિતની કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડમાં ૩૯૯૭૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૩૬૮૨૦ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા.
જ્યારે બીજા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી ૨૪૭૭ વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. આમ, પ્રથમ બે રાઉન્ડના અંતે કુલ ૩૯૨૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા. બે રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજા રાઉન્ડમાં વધુ ૧૩૫૩ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.SS1MS