એક જ સમાજના 22 જેટલા યુવાનો દારૂ પીધેલી હાલતમાં પકડાયા
સ્થળ પરથી પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ફોન, ૧૧ જેટલા વાહનો વગેરે મળી રૂપિયા ૧૧.૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો
(પ્રતિનિધિ) દાહોદ, દાહોદ-લીમડી રોડ પર ઉસરવાણ ગામે આવેલ નગદી ફાર્મ હાઉસમાં દાહોદ બી ડિવિઝન પોલીસે ગત રાતે ઓચિંતો છાપો મારી દારૂની મહેફીલ માણી રહેલા દાહોદના એક જ સમાજના દારૂની લતે ચડેલ ૨૨ જેટલા યુવાનોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો,
૧૧ જેટલા વાહનો, મોબાઇલ ફોન તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી રૂપિયા ૧૧.૩૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા યુવાનોને જેલના સળિયા પાછળ મોકલી આપતા શહેરભરમાં ભારે ચકચાર મચી જતા બી ડિવિઝન પોલીસ મથકે તે સમાજના લોકોના ટોળેટોળા ચિંતિત હાલતમાં જોવા મળ્યા હતા.
દાહોદના વહોરા સમાજના તહા નામના વ્યક્તિના લગ્ન હોય તેના લગ્ન પહેલાંની દારૂની પાર્ટી દાહોદના વહોરા સમાજના કેટલાક યુવાનોએ દાહોદ-લીમડી રોડ પર ઉસરવાણ ગામે આવેલ નગદી ફાર્મ હાઉસમાં રાખી હોવાની બાતમી દાહોદ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાને મળી હતી. જેથી તેઓએ સદર બાતમીને ગંભીરતાથી લઈ તેઓએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમએફ ડામોરને બાતમી વાળી જગ્યાએ છાપો મારવાની સૂચના આપી હતી.