ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે 29 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા
ભરૂચ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૨ થી વધુ પાટીદાર સમાજ એકત્ર થઈ આજથી આશરે ૨૦ વર્ષ પહેલા સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની એક સંગઠન બનાવવામાં આવ્યું હતું.આ સંગઠન દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે જેમાં એક સમૂહ લગ્ન પણ આયોજન થાય છે,ચાલુ સાલે સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા બન્ને જીલ્લાના સમાજ માટે સમુહલગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આમોદ, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને નાંદોદ તાલુકાના સમાવેશ થાય છે.
તા.૨૮.૧.૨૪ ના રોજ સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નનું આયોજન થયું છે જેમાં જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના ૨૯ જેટલા યુગલો એ ભાગ લીધો હતો અને શુભ મુહૂર્તમાં પ્રભુતામાં પગલાં પાડયા? હતા, સમાજના આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના પાટીદાર સમાજના પ્રમુખો, સમાજ આગેવાનો, સહકારી માળખાના આગેવાનો, રાજકીય આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
આ પ્રસંગે અંકલેશ્વર રામકુંડ તીર્થના મહંત શ્રી ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, દૂધ દડા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સંગઠન મહામંત્રી નીરલભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચ અને નર્મદા જિલ્લાના નાના નાના સમાજોને એકત્ર કરી સમાજનું ફેડરેશન બનાવવા માટે સરદાર પટેલ પાટીદાર સમાજ ની ટીમે જે મહેનત કરી છે તે સરાહનીય કાર્ય છે.
સમાજનો વિકાસ થાય સમાજમાં થતા ખર્ચાઓ પર કાપ આવે, યુવાનો નોકરી ધંધામાં પ્રસ્થાપિત થાય, સમાજ એક બને એકતાના માધ્યમથી સમાજોનો વિકાસ થાય તેમ જણાવ્યું હતું.
માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે સમુહ લગ્નમાં ભાગ લેનાર ૨૯ જેટલા યુગલોના માતા-પિતાઓને સમુહલગ્ન માં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવું છું વંદન કરું છું, સરદાર પટેલ સમાજની ટીમને બાર સમાજો ભેગા કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા અને સમાજનો કોઈપણ દીકરો શિક્ષણ વગર નોકરી વગર વંચિત ના રહે તે બાબતની ચિંતા હવે કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું.