Western Times News

Gujarati News

ગત એક મહિનામાં જ ગુજરાતના ૩૫૫ જેટલા માછીમારોને મળી પાકિસ્તાન જેલમાંથી આઝાદી

ગુજરાત અને ભારત સરકારના સતત પ્રયાસોથી રાજ્યના  માછીમારોની વતનવાપસી થતા સાગરખેડૂઓના પરિવારોમાં આનંદની લાગણી છવાઈ

રાજ્ય સરકાર વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર તેમજ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાનો આભાર વ્યક્ત કરતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

ગુજરાતના માછીમારો અરબી સમુદ્રમાં માછીમારી કરતા સમયે કેટલીક વાર દિશાભ્રમ થઇ જતા પાકિસ્તાનની સરહદ ઓળંગી જાય છે ત્યારે પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા તેમનું અપહરણ કરી કેદ કરવામાં આવે છે. આવા નિર્દોષ માછીમારોને પોતાના વતન પરત લાવવા માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પ્રયાસોના પરિણામે જ છેલ્લા એક મહિનાના સમયગાળામાં પાકિસ્તાનની જેલમાંથી બે તબક્કામાં કુલ ૩૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના ૩૫૫ માછીમારોની વર્ષો બાદ વતનવાપસી થઇ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા ભારત સરકાર સમક્ષ સતત કરાયેલી રજૂઆતોના પરિણામે આજે આ સાગરખેડૂઓના પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ગુજરાતના માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરાવવા કરાયેલા રાજદ્વારી પ્રયાસો માટે રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે તેમનો આભાર માન્યો હતો.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારોના સર્વાગી વિકાસ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, અને હરહંમેશ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી પાકિસ્તાનની કેદમાં રહેલા ગુજરાતના ૧૭૧ માછીમારો સહિત દેશના કુલ ૨૦૦ માછીમારોને ગત ૨ જૂન, ૨૦૨૩ના રોજ મુક્ત કરાયા હતા.

તબીબી તપાસ અને વેરીફીકેશન બાદ ગુજરાતના આ માછીમારો ટ્રેન મારફત વડોદરા આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બસ મારફત તેઓને સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વર્ષોબાદ વતનવાપસી થતા તેમના પરિવારમાં પણ આનંદ છવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.