અમદાવાદમાં ભરતી મેળો: કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી થઈ
મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા ભરતી મેળો યોજાયો-અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો ભરતી મેળો
યુવાનો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર તથા ઓવરસીઝ સેમિનાર પણ યોજાયો
મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં અસારવાના ધારાસભ્ય શ્રી દર્શનાબહેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રોજગાર ભરતી મેળામાં કુલ 567 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 438 વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી થઈ હતી. રોજગાર મેળાની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર તથા ઓવરસીઝ સેમીનાર પણ યોજાયો હતો.
આ રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ દ્વારા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી થઈ હતી. કુલ 18 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ કંપનીઓમાં મહેતા કેડકેમ, ઇશાન નેટસોલ પ્રા.લિ. હાઈટેક મશીનરી, રાજેશ પાવર, આદિનાથ બલ્ક પ્રા.લી, લુબી ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, યુરેનસ ઈલેક્ટ્રિકલ, સ્વિગી, ડેન્ગીડમ્સ, દેવકૃપા હોન્ડા, પ્યોર ઓક્ષીડાઈન પ્રા.લિ જેવી અનેક કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
વિવિધ કંપનીઓમાં પ્રાથમિક પસંદગી થયેલા વિધાર્થીઓને એકાઉન્ટન્ટ, ટેકનીશ્યન, સેલ્સ એક્ઝિક્યુટિવ, એચઆર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, માર્કેટિંગ મેનેજર, ઇલેક્ટ્રિશ્યન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર જેવા સારા પદ પર ઉત્તીર્ણ થયા હતા. જેમાં ધો.10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડિપ્લોમાં, ડીગ્રી અને અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા વિધાર્થીઓની પસંદગી થઈ હતી.
આ ભરતી મેળામાં ઓવરસીઝ સેલ દ્વારા વિદેશ જવા ઉત્સુક વિધાર્થીઓ/યુવાનો માટે ઓવરસીઝ સેમીનારનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત સ્વરોજગાર કરવા ઇચ્છતા યુવાનો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર પણ યોજવામાં આવી હતી.
આ સાથે યુવાનોને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અપાતી લોન/સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકાનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેના વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી કેયૂર જેઠવા સહિતના અધિકારીઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.