ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળતા સર્વાનુમતે ૫૮ જેટલા વિકાસલક્ષી કામોને મંજૂરી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નગર પાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં વિપક્ષ દ્વારા ટ્રાફિકજામ,ગંદકી તેમજ બૌડા દ્વારા શહેરના વિકાસ માટે નાણાકીય ફાળવણી જેવા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.જોકે સર્વાનુમતે વિવિધ વિભાગના ૫૮ જેટલા એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.
ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મહત્વપૂર્ણ મનાતી સામાન્ય સભા મળી હતી.જેના પ્રારંભે દહેજ – બાયપાસ રોડ પર ચાલતી ફ્લાય ઓવર બ્રિજની કામગીરીથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી જરૂર મુજબ વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ હતી.
આ ઉપરાંત ગંદકી,રખડતા પશુઓના મુદ્દે તેમજ સિટી બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલ જગ્યાનું ભાડું વસૂલવા તથા પાલિકાની આવકના અન્ય સ્ત્રોત ઉભા કરવાની રજૂઆત કરવામાં આવી હતી.કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ,શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યોએ ચર્ચામાં ભાગ લઈ વિપક્ષની રજૂઆતના ઉત્તર વાળી સકારાત્મક વાતાવરણ ઉભુ કરી સભાને શાંતિપૂર્ણ માહોલ માં સંપન્ન કરવામાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી.જેથી વિવિધ વિભાગના ૫૮ જેટલા વિકાસ કાર્યો ને સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારી હતી.