10 વર્ષ જૂના ૭ જેટલા STP પ્લાન્ટોને અપગ્રેડેશન કરાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન જુના એસટીપી પ્લાન્ટ માટે EOI મંગાવશે-આ ઉપરાંત માનીતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટીથી બચાવવા બીજા કોન્ટ્રાક્ટરોના પણ પેમેન્ટ બે વર્ષથી રોકી રાખવામાં આવ્યા છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન Îવારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ તંત્રને અવારનવાર ફટકાર લગાવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હયાત એસ.ટી.પી. પ્લાન્ટ પૈકી મોટાભાગના પ્લાન્ટ વર્ષો જુના છે તેમજ એસિડિક વોટરના કારણે મશીનરીઓ પણ ખવાઈ ગઈ છે.
જેના કારણે પેરામીટર્સ જળવતા નથી અને નદીમાં અશુદ્ધ પાણી જાય છે. તેથી હાઇકોર્ટે દ્વારા વારંવાર આ અંગે કડક કાર્યવાહી માટે આદેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ બાબતોથી રાહત મેળવવા માટે અન્ય વિકલ્પો તરફ વિચારણા શરૂ કરી છે. જેમાં જુના પ્લાન્ટ એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ થી આપવા માટે નિર્ણય કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે.
તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના STP પ્લાન્ટ ખૂબ જ જૂના છે અને તેને અપગ્રેડ કરવાની જરૂરિયાત હોવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ૭ જેટલા STP પ્લાન્ટ ૧૦ વર્ષ જૂના છે. આ STP પ્લાન્ટને અપગ્રેડેશન કરવા માટે જે કંપનીઓ STP પ્લાન્ટ ચલાવવા માટે અનુભવી હોય તેને સંપૂર્ણપણે જવાબદારી આપવા અંગે વિચારણા ચાલી રહી છે. આ પ્લાન્ટને અપગ્રેડ કરવામાં આવે તો પ્લાન્ટદીઠ રૂ.૩૦૦ થી ૪૦૦ કરોડનો ખર્ચ થાય તેમ છે.
ભૂતકાળમાં વર્લ્ડબેન્ક લોનમાંથી તમામ પ્લાન્ટ અપગ્રેડ કરવા આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. પીરાણા અને વાસણા ના જુના પ્લાન્ટની મશીનરી અત્યંત જર્જરિત થઈ ગઈ છે તેથી તેમાં પેરામીટર્સ મળવા મુશ્કેલ છે. આ તમામ પ્લાન્ટ ઓપરેશન- મેન્ટેનન્સ માટે આપવામાં આવે છે.તેમાં પેરામીટર્સ જળવતા ન હોય તો કોન્ટ્રાક્ટર ને પેનલ્ટી કરવામાં આવે છે.
પરંતુ હવે, ઓપરેશન-મેઇન્ટેન્સના એકપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવા માટે ચર્ચા ચાલી રહી છે. જેમાં STP પ્લાન્ટને અપગ્રેડ કરવા, તેનું મેન્ટેનન્સ કરવું, કર્મચારીઓ રાખવા, પેરામીટર્સ ની જાળવણી કરવી સહિતની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીઓના શિરે રહેશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે એસ.ટી.પી. પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવ્યા ન હોવાથી પેરામીટર્સ ની સમસ્યાઓ રહે છે. બીજી તરફ કેટલાક અધિકારીઓ સ્વ-બચાવ માટે કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરે છે પરંતુ આ પેનલ્ટી માત્ર કાગળ પર જ રહે છે. આ ઉપરાંત માનીતા કોન્ટ્રાક્ટરને પેનલ્ટી થી બચાવવા બીજા કોન્ટ્રાક્ટ રો ના પણ પેમેન્ટ બે વર્ષથી રોકી રાખવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ એસ.ટી.પી. અધિકારીઓના મનસ્વી વલણથી ત્રસ્ત કોન્ટ્રાકટરોએ ઓપરેશન-મેઈન્ટનસની મુદત પૂર્ણ થયા બાદ નવા ટેન્ડર ભરવામાં રસ દાખવ્યો નથી તેમજ મુદત લંબાવવા માટે લેખિત સમંતિ પણ આપી નથી. તેથી હાલ મોટાભાગના પ્લાન્ટ સક્ષમ સતાની મંજૂરી વિના ચાલી રહ્યા છે. કોન્ટ્રાકટરો પ્લાન્ટ અપગ્રેડ કરવા વારંવાર રજુઆત કરી રહયા છે પરંતુ વિભાગના અધિકારીઓ આ મુદ્દે ધ્યાન આપતા નથી.
સુત્રોનું માનીએ તો દેશના અનેક રાજ્યોની કંપનીએ આ અંગે કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. આ ઉપરાંત કેટલીક સ્થાનિક કંપનીઓએ પણ EOI માટે રસ દાખવ્યો છે. કેટલીક કંપનીઓએ મશીનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા સાથે પણ ઓફર કરી છે. પરંતુ સત્તાધીશો આ મામલે તૈયાર નથી તેમજ હયાત મશીનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ કામ કરવામાં આવે તેની તરફેણમાં છે.