“અમૃત સરોવર” પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં વિકાસ પામ્યા ૭૫ જેટલા તળાવો
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદા અંતર્ગત કેન્દ્રીય પ્રભારી સચિવ સુશ્રી ડી.થારા જિલ્લાની મુલાકાતે
લોકોની પાયાની સુવિધા અંગેના વિકાસ કાર્યો અને અમલી પ્રોજેક્ટસનું નાંદોદ તાલુકાના લાછરસ અને સમારિયા ગામે સ્થળ મુલાકાત સાથે કર્યું જાત નિરિક્ષણ
પૈકી લાછરસના મોડેલ તળાવની કામગીરી નિહાળી પ્રભારી સચિવશ્રી થયાં પ્રભાવિત
રાજપીપલા,નર્મદા જિલ્લાનો એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં સમાવેશ થતાં તેમાં ગરીબ પરિવારોના ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના કેન્દ્રીય પ્રભારી સચિવશ્રી અને કેન્દ્રીય શહેરી અને
વિકાસ મંત્રાલયના અધિક સચિવ સુશ્રી ડી.થારા (D. Thara, IAS) એ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત થઈ રહેલી લોકોની પ્રાથમિક જરૂરિયાતની પાયાની સુવિધા અંગેના જાત નિરિક્ષણ માટે તેમણે નાંદોદ તાલુકાના લાછરસ અને સમારિયા ગામની મુલાકાત લીધી હતી.
નર્મદા જિલ્લામાં જળસંચય માટે “અમૃત સરોવર” પ્રોજેક્ટ અંતર્ગત કુલ-૭૫ જેટલા તળાવને તબક્કાવાર સુવિકસીત કરી પાણી સાથે ગામલોકોને અન્ય સુવિધાઓ તળાવ કિનારે ઉપલબ્ધ થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત સૌ પ્રથમ નાંદોદ તાલુકાના લાછરસ ગામે મોડેલ તળાવના ભાગરૂપે થઈ રહેલા વિકાસ કાર્યનું પ્રભારી સચિવશ્રીએ સ્થળ મુલાકાત કરી સ્થાનિક અધિકારીઓ અને ઈજનેરો સાથે ચર્ચા કરી જરૂરી વિગતો મેળવી હતી. તળાવની કામગીરી નિહાળી પ્રભારી સચિવશ્રી અત્યંત પ્રભાવિત થયાં હતાં.
ત્યારબાદ જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા માટે આયુષ્માન ભારત અંતર્ગત ચાલી રહેલી પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે સમારિયા ગામે પ્રભારી સચિવશ્રી પહોંચ્યા હતા. જ્યાં ગામમાં ઉદભવતા આરોગ્યલક્ષી પ્રશ્નો અને તેનો કેવીરીતે ઉકેલ લાવવામાં આવે છે.
તે અંગે સ્થાનિક તબીબ અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. ખાસ કરીને મહિલા અને બાળકોના આરોગ્યને લઈને કેવા પ્રકારની કાળજી લેવામાં આવે છે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓની લેવાતી કાળજી, ગામલોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ કેવી છે તે અંગેનો તાગ મેળવ્યો હતો. સાથોસાથ ગામની આંગણવાડીમાં મુલાકાત કરી નાના ભુલકાંઓ સાથે સંવાદ કરી ખૂટતી કડીઓને પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.