ડમ્પરમાંથી ચીકણી માટી ઢોળાતાં વાહન ચાલકોને હાલાકીઃ કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો
ફાયર વિભાગના જવાનોએ ચાર કલાકની જહેમત વચ્ચે ફલાય ઓવર બ્રિજની સફાઈ હાથ ધરી
(પ્રતિનિધિ) સુરત, શહેરના રિંગરોડ પર સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફ ફ્લાય ઓવર બ્રિજ પર અજાણ્યા ડમ્પર દ્વારા ચીકણી માટીનો જથ્થો ઢોળાતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે ચાર કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા ફ્લાય ઓવર બ્રિજની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જો કે, ત્યાં સુધી બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવતાં રિંગરોડ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા.
અલબત્ત, ફાયર વિભાગના જવાનો દ્વારા બ્રિજની સફાઈ કરવામાં આવે તે પહેલાં જ તો ઘણા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતાં રિંગરોડ પર આજે સવારે સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફના ફ્લાય ઓવર બ્રિજ પર પસાર થઈ રહેલ એક અજાણ્યા ઓવરલોડ ડમ્પરમાંથી ચીકણી માટીનો જથ્થો ઢોળાયો હતો.
જેને પગલે એક પછી એક ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જો કે, ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફ્લાય ઓવર બ્રિજ પર વિપુલ પ્રમાણમાં ચીકણી માટીનો જથ્થો ઢોળાયો હોવાને કારણે ફાયર વિભાગના જવાનો દ્વારા મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનને પણ જાણ કરવામાં આવી હતી.
બીજી તરફ પીક અવર્સને કારણે ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા બેરીકેડ મુકીને ફ્લાય ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે ફ્લાય ઓવર બ્રિજની નીચે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. આ દરમિયાન જેસીબી મશીન દ્વારા પ્રારંભમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઢોળાયેલ ચીકણી માટીનો જથ્થો હટાવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા બ્રશિંગ અને ત્યારબાદ પાણીથી ફલાય ઓવર બ્રિજની સફાઈ કરવામાં આવી હતી.
આ આખેઆખી પ્રક્રિયા દરમિયાન ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય વ્યતિત થઈ જતાં રિંગરોડ પર ઉધના દરવાજા સુધી વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. એક પછી એક મંથરગતિએ ચાલતાં વાહનને પગલે નોકરી – ધંધા અને શાળાએ નીકળેલા વિદ્યાર્થીઓ બેહાલ થયા હતા.
શહેરમાં છાશવારે ડમ્પરોમાં ભરવામાં આવેલ ચીકણી માટીનો જથ્થો રસ્તા પર ઢોળાતાં અકસ્માતોની ઘટનાઓ નોંધાવા પામી છે. અગાઉ પુણા ગામ પાસે પણ મેટ્રોની કામગીરીમાં જોતરાયેલા ડમ્પરના ચાલકની લાપરવાહીને પગલે ફલાય ઓવર બ્રિજ પર આ રીતે જ ચીકણી માટીનો જથ્થો ઢોળાયો હતો અને જેને કારણે ત્રણથી ચાર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ સ્થિતિમાં સુરત મહાનગર પાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં ઠેર – ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન ભાંસી રહ્યા છે. પોલીસ અને મનપા દ્વારા આ રીતે જાહેર રસ્તાઓ પર જીવલેણ અકસ્માત સર્જવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાને બદલે માત્ર સાફ સફાઈ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે અને જેને પગલે જ છાશવારે આ પ્રકારની ઘટનાઓનું પણ પુનરાવર્તન થઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.