નડિયાદમાં CM આવવાના હતા એટલે રાત્રે રોડ રીપેર કર્યો
નડિયાદ, નડિયાદમાં એક તરફ ચોમાસું અને બીજી તરફ સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રીનું આગમન અધિકારીઓ અને નેતાઓ માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે. મુખ્યમંત્રીના આગમન પહેલા શહેરના રોડ સારા છે, તેમ બતાવવા માટે રાતોરાત રોડની કામગીરી શરૂ કરાઈ છે, શનિવારે મોડી રાત્રે રોડનું સમારકામ કરાયું, પરંતુ બીજા દિવસે સવારે જ રોડ પહેલા કરતા પણ ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો.
પખવાડિયા પહેલા જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે, હાલ ડામરનો પ્લાન્ટ બંધ છે અને વરસાદની સિઝન હોવાથી ચોમાસામાં રોડનું સમારકામ કરાશે નહીં અને તે પછી રોડની કામગીરી કરાશે. જો કે, તેમનું આ નિવેદન ગણતરીના દિવસોમાં ખોટું ઠર્યું અને રોડની કામગીરી કરવાની નોબત આવી છે.
નડિયાદ શહેરમાં વાણીયાવાડથી કિડની તરફના રોડ પર મોટા ખાડા પડયા હતા. જે રોડ ઉપર હજારો લોકો કેટલાય મહિનાઓથી ખાડાના લીધે હાડમારી વેઠી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલના આગામી તા. ૧૩થી ૧૫મી સુધી નડિયાદમાં કાર્યક્રમો છે.
મુખ્યમંત્રી અને રાજ્યપાલ શહેરના પીપલગ રોડ પર એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે તેમને વાણીયાવાડથી કિડની રોડ થઈ સરદાર બ્રિજ પરથી આ સ્થળ પર પહોંચવાનું છે. જે રૂટ ઉપર મોટા ખાડા પડેલા હતા. જે ખાડાઓ નડતરરૂપ ન બને તે માટે તાત્કાલિક શનિવારે મોડી રાત્રે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા આ રોડ પર મેટલીંગ કામ કરી રોડના સમારકામની શરૂઆત કરી દેવાઈ છે.
ગઈ મોડી રાતે વિભાગ દ્વારા અહીંયા મેટલીંગ કામ કરી અને રોડની સપાટી સુવ્યવસ્થિત કરી હતી. પરંતુ મોડીરાતે અને દિવસભર ઝરમર વરસાદ પડતા આ મેટલીંગની કામગીરીનું ધોવાણ થઈ ગયું છે, રોડ ફરીથી ઉબડ-ખાબડ થઈ ગયો છે.
ચોમાસા વચ્ચે મોટાભાગે રોડની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અગાઉ કેટલાક રોડ બિસ્માર બન્યા હતા અને તે બાબતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ ચોમાસાની તુ હોવાથી સરકારી ડામરનો પ્લાન્ટ બંધ છે, ચોમાસા દરમિયાન રોડની કામગીરી થઈ શકશે નહીં એટલે ચોમાસું પુરું થતા જ રોડના સમારકામ કરાશે. તેમનું આ નિવેદન ખોટું ઠરે તે રીતે માર્ગ અને મકાન વિભાગે ચોમાસાની તુમાં અને વરસાદની વચ્ચે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.
એકતરફ મુખ્યમંત્રીના આગમન પૂર્વે અચાનક ગાઢ નિંદ્રામાંથી ઉઠેલું તંત્ર આખા નડિયાદને ઝગમગાટ કરવા માટે દોડધામ કરી રહ્યુ છે, ત્યારે મેઘરાજાએ ચારેકોરથી તંત્રની કામગીરી પર પાણી ફેરવવાનું મન બનાવી લીધુ છે, જેથી હવે તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે.
આ સમગ્ર મામલે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના નડિયાદ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જામે જણાવ્યું છે કે, સિટી વિસ્તારમાં રસ્તા પર પેચ વર્ક- ફુલ ડેપ્થ રિપેરિંગમાં મેટલિંગની કામગીરી ચાલુ કરી છે. જેમાં વાતાવરણને ધ્યાને રાખી મેટલિંગ કામ પર મેન્યુઅલી ડામર પેચ કરવામાં આવશે.SS1MS