રથયાત્રા નજીક આવતી હોવાથી પોલીસે 200થી વધુ ટપોરીઓને ઝડપ્યા
ગુનાખોરીની ઘટનાને રોકવા માટે પોલીસ એકશન મોડ પરઃ ઘાતકી હથિયાર લઈને રોલો મારતા ર૦૦થી વધુ ટપોરી સામે પોલીસે લાલ આંખ કરી
(એજન્સી) અમદાવાદ, રખિયાલ વિસ્તારમાં બે દિવસ પહેલા એક પોલીસ કર્મચારીના માથામાં અસામાજિક તત્વોએ તલવાર વડે હુમલો કર્યો છે ત્યારે શહેરના ખૂણેખાંચરે તલવાર, છરી તેમજ ઘાતકી હુમલાના અનેક બનાવો બન્યા છે. હિંસક હુમલાની ઘટનાઓને રોકવા માટે પોલીસ એકશન મોડ પર આવી ગઈ છે
અને શહેરમાં હથિયારો લઈને ફરતા ર૦૦થી વધુ ટપોરીઓને ઝડપી પાડયા છે. એક બાજુ શહેરમાં લુખ્ખાં તત્વો બેફામ થઈ ગયા છે, જયારે બીજી બાજુ રથયાત્રાની તૈયારીઓ પણ પુરજાેશમાં ચાલી રહી છે. રથયાત્રા પહેલાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીંતે માટે પોલીસ એલર્ટ મોડ પર છે.
અતીક અહેમદના મોત બાદ અલ કાયદાએ આપેલી ધમકીને સુરક્ષા એજન્સીઓએ ગંભીરતાથી લીધી છે. દેશભરમાં એક ચોકકસ ડિઝાઈન હેઠળ કોમી વાતાવરણ ડહોળાય તેવો માહોલ ઉભો કરવાના ષડયંત્ર ચાલી રહ્યા છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પુરી થાય ત્યાં સુધી પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
પોલીસે માઈક્રો લેવલે પ્લાનિંગ કરી રહી છે, જેના પગલે સુરક્ષાને લઈ અલગ અલગ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. અમદાવાદ પોલીસે હથિયારો લઈને નીકળતા આરોપીઓને પકડવા માટેનું મિશન શરૂ કર્યું છે, જે અંતર્ગત ગઈકાલે ર૦૦થી વધુ યુવકોને મોડી રાતે હથિયાર સાથે ઝડપી લેવાયા છે.
એકતરફ શહેરમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે જયારે બીજી તરફ શહેરમાં હત્યા, મારામારી, છૂરાબાજી જેવી અનેક ઘટનાઓ બની રહી છે. પોલીસ શહેરમાં થતી નાની-મોટી ઘટનાઓને રોકવા માટે પણ સક્ષમ છે. શહેરમાં ઘાતક હથિયારો સાથે કેટલાંક અસામાજિક તત્વો ફરી રહ્યા છે, જે ગમે તે સમયે ગુનાખોરી આચરે તેવી શક્યતા છે.
હથિયારો લઈને ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગ શરૂ કર્યું છે, જયારે શંકાસ્પદ લાગતા યુવકોને અટકાવીને પોલીસ તેમની તપાસ કરે છે. જાે કોઈ યુવક પાસેથી ઘાતક હથિયાર મળી આવે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરે છે. અમરાઈવાડીમાં રહેતા પારસ વણજારા પાસેથી છરી મળી છે.
રખિયાલમાં રહેતા મોહંમદ સમીર અંસારી પાસેથી છરી મળી છે ત્યારે ગોમતીપુરમાં રહેતા મોહંમદ રીઝવાન પાસેથી છરી મળી આવી છે. આવા અનેક લુખ્ખાં તત્વો છે, જેમની પાસેથી છરી, લાકડી, તલવાર સહિતના ઘાતકી હથિયારો મળી આવ્યા છે.
શહેર પોલીસે અંદાજિત ર૦૦થી વધુ અસામાજિક તત્વો પાસેથી છરી, ચપ્પુ, ડંડા જેવા હથિયારો જપ્ત કર્યા છે. બે દિવસ પહેલાં બાપુનગરમાં ફિરોઝ ખતલી અને તેની ગેંગના સભ્યોએ મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી, જયારે દુકાનદાર પર તલવાર વડે હુમલો કર્યો હતો.
આ સિવાય ફિરોઝ પતલીના સાગરીતોએ એક પોલીસ કોન્સ્ટેબલને પણ માથામાં તલવાર મારી હતી ત્યારે ગઈકાલે સરસપુરમાં પણ એક યુવક પર ઘાતકી હુમલો થયો છે. ઘાતકી હુમલાની ઘટનાઓ અટકાવવામાટે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું હતું.