પુત્રને સળિયો મારતા ધારિયા ઉછળ્યા, પિતાએ ફાયરિંગ કર્યું

Files Photo
અમદાવાદ, નરોડા નવયુગ કેનાલ પર એક સગીર તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે એક શખ્સે ત્યાં આવીને સગીરને અહીં કેમ બેઠો છે કહીને લોખંડનો સળિયો માર્યો હતો.
સગીરે આ બાબતે તેના પિતાને જાણ કરતા પિતા પુત્ર કેનાલ પર આ શખ્સને ઠપકો આપવા ગયા ત્યારે ત્યાં ચાર શખ્સોએ ભેગા થઈને પિતા પુત્ર સહિત ચાર લોકોને માર મારીને ધારિયા વડે હુમલો કર્યો હતો. સગીરના પિતાએ સ્વબચાવમાં લાઇસન્સવાળા હથિયારથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી હતી. આ મામલે નરોડા પોલીસે બે ફરિયાદ નોંધી છે. જેમાં ધારિયા વડે હુમલો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. બીજી તરફ ફાયરિંગ કરનાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ નરોડા શ્યામવિહાર સોસાયટીમાં રહેતા રાઘવેન્દ્રસિંહ ચૌહાણ હિંગળાજ ફાયનાન્સ નામની ઓફિસ ધરાવીને ફાયનાન્સનો ધંધો કરે છે.
ધંધાના કારણે તેમણે લાઇસન્સ વાળી ઓટોમેટિક પિસ્ટલ વસાવી હતી. રવિવારે રાત્રે રાઘવેન્દ્રસિંહનો સગીર પુત્ર નવયુગ કેનાલ પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યારે વિશ્વજિતસિંહ નામના શખ્સે આવીને સગીરને અહીં કેમ બેઠો છે તેમ કહીને ગાળાગાળી કરીને ઝઘડો કર્યો હતો.
સગીર અને તેના મિત્રોએ ગાળો ન બોલવાનું કહેતા વિશ્વજિતસિંહે લોખંડનો સળિયો સગીરને માર્યો હતો. આ બાબતે સગીરે તેના પિતાને જાણ કરતા રાઘવેન્દ્રસિંહ સગીર પુત્ર અને બે ભત્રીજાને લઇને વિશ્વજિતના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં જ વિશ્વજિતસિંગ ઠાકુર, તેના પિતા અજયસિંહ ઠાકુર તથા લાલા ઠાકુર અને પંગુ મરાઠી મળી ગયા હતા.
સગીરના પિતાએ તેમના દીકરાને કેમ માર માર્યો તેમ પૂછતા વિશ્વજિત સહિતના ચારેય શખ્સોએ ગાળાગાળી કરીને ઝઘડો કર્યો હતો અને વિશ્વજિતસિંહે ધારિયાથી રાઘવેન્દ્રસિંહને માથામાં એક ઘા મારી દીધો હતો. આ દરમિયાન સ્વ બચાવ માટે રાઘવેન્દ્રસિંહે તેમની પાસે રહેલી લાઇસન્સવાળી પિસ્ટલથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ચારેય શખ્સોએ રાઘવેન્દ્રસિંહને વધુ માર માર્યો હતો.
આસપાસના લોકોએ મામલો થાળે પાડ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે નરોડા પોલીસ, એલસીબી સ્ક્વોડ તથા ક્રાઈમ બ્રાંચ પહોંચી હતી. નરોડા પોલીસે ધારિયા વડે હુમલો કરનાર ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધીને વિશ્વજિતસિંહ, અજય સિંગ તથા પંગુ મરાઠી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.SS1MS