પત્ની રિસાઇ પિયર જતી રહી હોવાથી પતિએ કાકીજીના દીકરા પર હુમલો કર્યો
અમદાવાદ, પત્ની રિસાઇ પિયર જતી રહેતા ઉશ્કેરાયેલા પતિએ કાકીજીના દીકરા-ભાઇ(મામા-ભાણેજ) પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મામા-ભાણેજને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. નોંધનીય છે કે, ભાઇ પર હુમલો થયાની જાણ થતા બહેન-ભાણેજ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઉશ્કેરાયેલા જમાઇએ કાકીજીના દીકરાને ખંજર મારી લોહીલુહાણ કરી નાંખ્યો હતો.
શહેરના શાહીબાગ વિસ્તારમાં ૩૭ વર્ષિય દિનેશ પોપટભાઇ પટણી પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે. દિનેશના બહેન શારદાબહેનના જેઠની દીકરી ગુડ્ડીના લગ્ન સાત વર્ષ પહેલાં સામાજિક રીત રિવાજ મુજબ વિશાલ ઉર્ફે ભોલો કિશનભાઇ પટણી સાથે થયા હતા, પરંતુ ગુડ્ડીને વિશાલ સાથે અણબનાવ થતા તે બે વર્ષથી ડીસા ખાતે પિયરમાં રહેવા જતી રહી છે.
આ મામલે શારદાબહેનની વિશાલ સાથે બોલચાલ થઇ હતી. દરમિયાન ગઇકાલે રાત્રે દિનેશ પોતાના ઘરે હતો ત્યારે મોડી રાત્રે વિશાલ આવ્યો હતો.
વિશાલની પત્ની રિસાઇ પિયર હોવાથી તે મામલે અદાવત રાખી તે બોલચાલ કરી ગાળો આપવા લાગ્યો હતો. જેથી દિનેશે ગાળો ન બોલવા કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ખંજર જેવા ચાકુથી દિનેશ પર હુમલો કર્યો હતો. જેથી દિનેશ લોહીલુહાણ થઇ ગયો હતો.
દિનેશની પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ વિશાલ મારવા દોડ્યો હતો. બૂમાબૂમ થતા વિશાલ સંતાઇ ગયો હતો. ત્યારબાદ ૧૦૮ મારફતે દિનેશને હોસ્પિટલ લઇ આવવામાં આવ્યો હતો.
આ મામલે દિનેશના બહેનને જાણ થતા તે પોતાના પુત્ર સચિન સાથે ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિશાલ ત્યાં આવી ગયો હતો અને સચિન પર પણ ખંજર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. બૂમાબૂમ થતા વિશાલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ સચિનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેનું તીબીબોએ ઓપરેશન કર્યું હતું. આ મામલે દિનેશે વિશાલ ઉર્ફે ભોલો કિશનભાઇ પટણી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. બીજી તરફ વિશાલે જિગ્નેશ પટણી, ચિરાગ પટણી અને સચિન પટણી સામે મારામારીની ક્રોસ ફરિયાદ નોંધાવી છે.SS1MS