Western Times News

Gujarati News

બોધકથા: જેવી કરણી તેવી ભરણી: શાહુકારના પુત્રને સમડી ઉપાડી ગઈ

પ્રાચીન સમયમાં એક નગરમાં જીર્ણધન નામનો વણિક વેપારી રહેતો હતો. તે પોતે એકલવાયું જીવન જીવતો હતો કારણ કે તેની આગળ-પાછળ કોઈ વાલી-વારસ નહોતા. વેપારીએ પૈસા કમાવવા વિદેશ જવાનો વિચાર કર્યો.

જો કે તેની પાસે કોઈ ખાસ મિલકત નહોતી તેમ છતાં તેની પાસે ફક્ત એક મણ વજનના ઘણા જ ભારે બે ત્રાજવા હતા. આ ત્રાજવાને શાહુકારના ઘરે અમાનત તરીકે મુકીને વેપારી વિદેશ ચાલ્યો ગયો.

જ્યારે વેપારી વિદેશથી પાછો ફર્યો અને શાહુકારને ત્રાજવા પરત કરવા કહ્યું ત્યારે શાહુકારે કહ્યું કે ત્રાજવાઓને તો ઉંદરો ખાઇ ગયા છે. વેપારી સમજી ગયો કે શાહુકાર ત્રાજવા પરત આપવા માંગતો નથી તેથી વેપારીએ ધીરજ અને નમ્રતાથી કહ્યું કે જો ઉંદરો મારા ત્રાજવા ખાઈ ગયા હોય તો તે ઉંદરોનો દોષ છે,તમારો કોઇ દોષ નથી માટે બિનજરૂરી ચિંતા ના કરશો.

કેટલાક સમય પછી વાણિયાએ કહ્યું કે “હું નદી કિનારે સ્નાન કરવા જાઉં છું. તમે પણ તમારા પુત્ર ધનદેવને મારી સાથે મોકલો જેથી તે પણ સ્નાન કરી શકે. વેપારીની વાત સાંભળીને શાહુકાર પ્રભાવિત થયો અને તેના પુત્રને વેપારી સાથે નહાવા મોકલ્યો. વેપારી શાહુકારના પુત્રને ત્યાંથી થોડે દૂર લઈ ગયો અને તેને એક ગુફામાં બંધ કરી દીધો અને ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પત્થર મુકી દીધો જેથી શાહુકારનો પુત્ર ત્યાંથી ભાગી ન જાય. વેપારી ત્યાંથી શાહુકારના ઘરે આવ્યો ત્યારે શાહુકારે પૂછ્યું કે મારો દીકરો ક્યાં છે? કે જે તમારી સાથે સ્નાન કરવા લઇ ગયા હતા.

વેપારી કહે છે કે અમે સ્નાન કરતા હતા તે સમયે તેને તો સમડી ઉપાડી લઈ ગઇ છે ત્યારે મહાજન કહે છે કે આ કેવી રીતે બની શકે? શું સમડી આટલા મોટા બાળકને ઉપાડીને લઈ જઈ શકે ખરી? ત્યારે વેપારી કહે છે કે મિત્ર ! જો સમડી આટલા મોટા બાળકને ઉપાડી લઈ જઈ શકતી ના હોય તો ઉંદરો એક મણ વજનના ત્રાજવા ખાઈ શકે ખરા? માટે જો તારે તારો દીકરો જોઈતો હોય તો મારા ત્રાજવા પરત આપો.

આ રીતે વાદ-વિવાદ ઘણો વધ્યો. આ સમસ્યાને લઈને બંને ફરીયાદ લઇને રાજા સમક્ષ રાજમહેલ પહોંચ્યા, ત્યાં શાહુકારે ન્યાય અધિકારીની સામે તેની દુઃખદ વાર્તા સંભળાવી અને વેપારી પર તેનું બાળક ચોરી કરવાનો આરોપ મૂક્યો.

ન્યાય અધિકારીએ વેપારીને કહ્યું કે તમે તેનો પુત્ર પાછો આપો ત્યારે વેપારી કહે છે કે રાજન ! સમડી તેને ઉપાડી લઈ ગઇ છે ત્યારે રાજાએ કહ્યું કે શું સમડી ક્યારેય આટલા મોટા બાળકને ઉપાડી લઈ જઈ શકે ખરી? ત્યારે વેપારીએ કહ્યું કે જો ઉંદરો મારા ભારે એક મણ વજનના ત્રાજવાઓ ખાઈ શકતા હોય તો સમડી તેના બાળકને પણ લઈ જઈ શકે છે. આ સાંભળી રાજાના પ્રશ્નના જવાબમાં વાણિયાએ આખી વાર્તા તેમને સંભળાવી. આ વાર્તાનો સાર એ છે કે જેવી કરણી તેવી ભરણી. આ વિશે અન્ય એક બોધકથા જોઇએ.

કેટલાક દિવસો પહેલાં હું મારા ભાઇના ઘેર મારા પિયરમાં ગઇ હતી. ત્યાં હું મારી મમ્મી તથા ભાભી સાથે બેસીને વાતો કરતાં હતાં તે જ સમયે દરવાજાની ઘંટડી વાગી તો મેં દરવાજો ખોલીને જોયું તો એક સ્ત્રી દરવાજા બહાર ઉભી હતી તેને આદર સાથે અંદર લાવવામાં આવે છે. બિલ્કુલ સાદા કપડા જોઇને હું તેને ઓળખી ના શકી. ભાભીએ તેને પીવા માટે પાણી આપ્યું ત્યારે મારી મમ્મીએ કહ્યું કે તે આને ના ઓળખી આ સરીતા છે.

મને ઘણી જ નવાઇ લાગી કે આ એ જ સરીતા ભાભી છે જેમનો અને અમારો પરીવાર એક જ સોસાયટીમાં રહેતા હતા. એક બીજાના ઘેર અમારૂં આવવા-જવાનું થતું હતું કેમકે તે અમારી દૂરની સબંધી હતી. મારા લગ્ન પછી મારા બંન્ને ભાઇઓ અન્ય સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા.

સરીતાના લગ્ન તો મારી સામે જ થયા હતા. તેની સાસુ તેને ઘણા જ ઉત્સાહ અને પ્રેમથી લઇ ગયાં હતાં. પુત્રવધૂના આગમનથી તે સુખના સાગરમાં રાચવા લાગી હતી પણ ભગવાનની ઈચ્છા હોય કે તેનું નસીબ ! આ ખુશી થોડા સમય માટે જ રહી અને તેના લગ્નના બે મહિનામાં જ તેના સસરા દેવલોક પામ્યા. સસરાના મૃત્યુ પ્રસંગે સરીતા ઘણી જ રડી હતી.

સસરાના મૃત્યુ પછી પુત્રવધૂ સરીતાએ પોતાનો અસલી રંગ બતાવવા માંડ્યો. તે ઘરની માલિક બની ગઈ અને તેની અંદર જે અભિમાન હતું તે પણ બહાર આવવા લાગ્યું. વાત વાતમાં તે બધા સાથે લડતી-ઝઘડતી હતી. તેની સાસુની જીંદગી તો તેને ઝેર જેવી દયનીય બનાવી દીધી હતી. જીવનસાથીના અકાળે અવસાન પછી વૃદ્ધાવસ્થામાં તેની પુત્રવધૂના અત્યાચારો સહન કરવા મજબૂર બની હતી.

ઘરની માલિકણ હોવા છતાં પુત્રવધૂએ તેને એક નાનકડી ઓરડીમાં રહેવા મજબૂર બનાવી હતી અને પુત્રવધૂ સરીતા તેને પૂરતું ખાવાનું પણ આપતી નહોતી અને તેનાં કપડાં પણ ધોતી નહોતી. ગંદા-ચીંથરેહાલ કપડામાં તે સોસાયટીમાંથી બહાર પણ નીકળતી નહોતી. પુત્રવધૂ કોઈપણ કારણ વગર તેને ધમકાવતી રહેતી હતી તેથી તે ક્યાં સુધી આવું દુઃખ સહન કરે? અને એક દિવસ તે પણ આ દુનિયા છોડીને પરલોક ચાલી ગઇ.

સરીતાને મારી ભાભી અને મમ્મીએ કેટલાક કપડાં અને ખાવા-પીવાનો સામાન આપ્યો,ચા પીવડાવી અને તે ચુપચાપ ચાલી ગઇ પણ જેટલો સમય બેઠી એક શબ્દ પણ ના બોલી. સરીતાના ગયા પછી મારી મમ્મીએ મને કહ્યુ કે સાસુ-સસરાના અવસાન પછી સરીતાના ખરાબ દિવસો શરૂ થયા. પહેલાં તેના પતિના ધંધામાં નુકશાન થયું અને દેવું ઘણું વધી ગયું તેથી તેમને મકાન તથા દુકાન વેચવાં પડ્યાં તેથી તેઓ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા અને તેના પતિ કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. સરીતાના બે છોકરા હતા. મોટો દિકરો કોલેજમાં તથા નાનો બારમા ધોરણમાં અભ્યાસ કરતા હતા.

એક દિવસ તેના પતિને ઓફીસમાં જ અચાનક હ્રદયરોગનો હુમલો આવ્યો અને આ દુનિયાને અલવિદા કરી ગયા અને સરીતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ગમે તેમ કરીને કોઇ પરિચિતને કહીને મોટા દિકરાનો અભ્યાસ છોડાવીને નોકરી ઉપર લગાવ્યો અને નાના દિકરાનો અભ્યાસ પૈસાની વ્યવસ્થા ના થવાથી છોડાવવો પડ્યો. એક દિવસ સરીતાને આ બધા ટેન્શનના કારણે લકવાનો એટેક આવ્યો. પિયરવાળાઓના સાથ સહકારથી તેની સારવાર તો કરાવી પરંતુ તેની વાચા બંધ થઇ ગઇ.

હવે આવી હાલતમાં તેના દિકરા પણ તેની ખબર પુછતા નથી કે ખર્ચા માટે પણ કશું જ આપતા નથી અને તે એક રૂમમાં એકલી પડી રહે છે. ક્યારેક મારા ભાઇના ઘેર આવીને જરૂરીયાત મુજબનો સામાન લઇ જાય છે. મારા ભાઇના ઘેર આવવા માટે પણ રીક્ષાવાળાને લખીને આપવું પડે છે. મમ્મી કહે છે કે જ્યારે તે રડે છે તો ફક્ત આંસૂ જ વહે છે કારણ કે અવાજ તો ભગવાને પહેલાંથી જ લઇ લીધો છે. જે મોઢાથી સાસુને ગાળો ભાંડતી હતી આજે તેમાં બોલવાની ક્ષમતા નથી.

સત્ય વાત તો એ છે કે ઘરના વડીલોનું દિલ દુભાવનાર મનુષ્યને ક્યારેકને ક્યારેક પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે જે મેં આજે નજરે જોયું છે અને આ જ જીંદગીનું સત્ય છે. આ જન્મમાં જેવા કર્મો કરીશું તે કર્મોનું ફળ અહીયાં જ ભોગવવા જ પડે છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી, નવીવાડી,તા. શહેરા,પંચમહાલ, ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.