Western Times News

Gujarati News

140 એકર જમીન ખાલી કરવા આસારામ આશ્રમને કલેક્ટરે નોટીસ ફટકારી

File

મોટેરામાં આસારામ આશ્રમ સહિત 3 આશ્રમને ૧૪૦ એકર જમીન ખાલી કરવા કલેક્ટરની નોટિસ-યોગ્ય રજૂઆત અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરાયો હતો

અમદાવાદ, ગુજરાતના અમદાવાદમાં ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની જે જમીન પર ઓલિમ્પિક રમાનાર છે, તેને ખાલી કરવા માટે કલેક્ટર દ્વારા જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આસારામ આશ્રમ સહિત ૩ સંસ્થાને કલેક્ટર દ્વારા જમીન ખાલી કરવા હુકમ કરાયો છે.

મોટેરાના આશ્રમમાં શરત ભંગ થતા ૩૩.૯૮૦ ચો.મી જમીન પરત લેવાશે. અન્ય બે સંસ્થાની ૯૩ હજાર ચો.મી જમીન પરત લેવાશે. અમદાવાદના આશારામ આશ્રમ, સદાશિવ પ્રગ્ના મંડળ, ભારતીય સેવા સંઘને સરકારે ફાળેવલી જમીન શરત ભંગ કરેલ હોવાથી પરત લેવા હુકમ કરવામાં આવ્યો છે.

આસારામ આશ્રમની જમીન ૩૩,૯૮૦ ચોરસ મીટર, ભારતીય સેવા સંઘની ૮૦,૯૪૦ ચોરસ મીટર અને સદાશિવ પ્રગ્ના મંડળની ૧૨,૨૦૭ ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓને શરત ભંગની નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય રજૂઆત અને ખુલાસા કરવાની તક આપ્યા બાદ ગત ૪ એપ્રિલના રોજ જમીનનો કબજો પરત સરકારને સોંપવા હુકમ કરવામાં આવેલ છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદના જિલ્લા કલેક્ટર અને ઔડાના સીઈઓ મળીને જમીન સંપાદન કરવા માટે કામ કરી રહ્યા છે. ઔડા એટલે અમદાવાદ અર્બન એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી. આ સંસ્થા શહેરના વિકાસ માટે યોજનાઓ બનાવે છે.

જોકે, આસારામ આશ્રમના કિસ્સામાં વળતરની શક્્યતા નથી. અમદાવાદ જિલ્લા કલેકટરે આશ્રમ પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધાકીય હેતુઓ માટે કરીને નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કારણે, સમિતિએ આસારામ આશ્રમને કોઈ વળતર ન આપવાની ભલામણ કરી છે.

૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીં રહેતા લોકોને સ્થળાંતર કરશે. અમદાવાદની કલેક્ટર કચેરીને જમીન સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી છે. સરકાર ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદને સારી રીતે તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આથી જમીન સંપાદનની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. લોકોને અન્ય સ્થળોએ ખસેડવાની અને આશ્રમોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતે ઓલિમ્પિક ૨૦૩૬ માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના ૫ નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે.

આગામી સમયમાં આ વિસ્તારો ઓળખી ન શકાય તેવા બનશે, અને વિદેશી શહેરોની જેમ હરણફાળ ભરશે. અમદાવાદ આસપાસ ૧૨થી ૨૫ કિમી વિસ્તારમાં ૫ શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે. કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.