અષાઢ આવ્યો, મિલનોત્સવ લાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Rain.jpg)
File
વૈશાખના એ વાયરાઓ કે જ્યાં આગ વરસતી હોય,અતૃપ્તિ ઉંબરુ ઓળંગવાનું નામ ન લેતી હોય તેવા સમયે વરસાદી ફોરાંઓ કેવો ટાઢકનો અનુભવ કરાવે છે!
અષાઢ મહિનાનું નામ જ કેટલું ગુઢ, કેવી ઘટ્ટતાને લઈને આવે છે.અષાઢ બોલતાં જ મોં ઘેઘુરત્વથી ઉભરાઈ પડે છે.વાદળાની અડાબીડ બઘડાછટી તથા આંબાવાડિયામાંથી કોયલનો સતત આવકારદાયક નિમંત્રણ ટહુકારો ! કોઈ વિરહીને મુરછા લાવી દેનારી ઘડી? સજીવસૃષ્ટિને જગત જીવવા જેવું તો છે તેનો અહેસાસ કરાવે છે.અષાઢનું વર્ષાઋતુની સાથે જોડાણ ખૂબ સૂચક માનવામાં આવે છે.
વૈશાખના એ વાયરાઓ કે જ્યાં આગ વરસતી હોય,અતૃપ્તિ ઉંબરુ ઓળંગવાનું નામ ન લેતી હોય તેવા સમયે વરસાદી ફોરાંઓ કેવો ટાઢકનો અનુભવ કરાવે છે! કોઈ વિષય કે વસ્તુની અછત તેને મેળવી લેવાની તાલાવેલીને તડપાપડ બનાવે છે.આ ઓછપ કેવી હતી તેનો અનુભવ તેને બખૂબી થયો હોય છે. તેથી તેની પ્રાપ્તિ તેને ઝાકમજોળ અને રસ્કાબોળ કરી દે છે.
આ બધું અષાઢી આડંબરમા સહજ ચડી આવે છે.તેથી પિયુ, પ્રિત અને આ પવનનો પોરસ એકદમ આવી પોગે છે.અષાઢનું આગમન એ ગરવા ટાણાનું ગીત છે.તેથી તેની એ ભીની માટીની સુગંધ પિયુને પહોંચવા માટે અને તેનામાં પરભવી પ્રેત બનીને ઊતરી જવા માટે ઉતાવળા થાય છે. કવિ રમેશ પારેખ તેથી જ તો કહે છે કે મને ભિંજવે તું અને તને વરસાદ ભીંજવે.જો કે? વરસાદ પહેલાં ભિંજવે છે માટે તે પ્રિય ભિંજાય છે.
તૃપ્ત માટી જાણે કોઈ એવી સોડમ લઈને પ્રસરે છે કે જ્યાં તમામ માદાઓ નરને આહ્વાન કરતી હોય ! માદા બપૈયા નરને અષાઢના એ છાંટાની સુગંધ લુંટી લેવા ગાંડાતુર કલરવથી પોતાના તરફ તેને ખેંચી લેવા આશ્લેષયુક્ત કિલકારા કરે છે. આખરે એ મિલનોત્વ સમગ્ર સૃષ્ટિને ભીની ભીની કરી પુલકિત કરે છે.
આ આનંદ સૌને ભાવવિભોર બનાવવા વિવશ કરે છે. માંગડાવાળાનો ચારણ અષાઢી બીજના આગમન સાથે પોતાના મલક ને યાદ કરે તેમાં તેમની ચારણીના મિલનનો પણ એક આર્તનાદ છે.
માંગડાવાળાના એ અફીણી નશામાં પોતાનો પ્રેમનો નશો ભળી જાય છે. એ ચારણી જ્યારે દ્રશ્ય નથી થતી ત્યારે તેનું ચિત ઠેકાણે રહેતું નથી. તે પણ એક સૂચક માનો. રત્નાવલીને મળવાની તુલસીદાસની તાલાવેલી કેટલી બેબાકળી હશે કે નદીનું પૂર કે પ્રિયે ના ધરે લટકતો સાપ તેમાં આડશ ન બની શક્યો.આ ભાવ ઉત્કટતાની પરાકાષ્ઠા ગણાય.જ્યા કશું દેખાય જ નહીં માત્ર એ આંખો જ તગતગે જેને તે જોવા તલપે છે.આ શીતળ વરસતું પાણી આગ બનીને જ્યારે ઈશ્વર ઓઢાડે છે ત્યારે આનંદ બક્ષી કહે છે
‘ટીપ ટીપ બરસા પાની ,પાની ને આગ લગાઈ આગ લગી દિલ મેં તો, દિલ કો તેરી યાદ આઈ તેરી યાદ આઈ તો,જલ ઉઠા મેરા ભીંગા બદન મેરે બસમે નહીં મેરા મન, મૈં ક્યા કરું’ જ્યાં ઋતુઓ નથી તેઓ કેટલા ગરીબ હશે તેનો અનુભવ જ જીવનની અધૂરપની ઓળખાણ આપે છે. આપણે સૌ આ ઋતુકાળના સદનસીબ છીએ કે જ્યાં આ બધું રુવે રુવે અનુભવાય છે.