અશોક ગેહલોત વિધાનસભામાં જુના બજેટના ત્રણ-ચાર ફકરા વાંચી ગયા
રાજસ્થાન વિધાનસભામાં બજેટ રજુ કરતા સમયે મુખ્યમંત્રી અશોક ગેહલોટે ગંભીર ભૂલ કરી
ગત વર્ષનું બજેટ મુખ્યમંત્રીની ફાઈલમાં કઈ રીતે પહોંચી ગયું: કોઈ અધિકારીએ મોટી રમત કરી હોવાનો સંકેત: ગૃહ અડધી કલાક માટે મુલત્વી
જયપુર, રાજસ્થાન વિધાનસભામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગંભીર ભૂલ કરી હતી. વિધાનસભામાં બજેટ રજુ કરતા પહેલા તેઓએ ભુલથી ગત વર્ષનું બજેટ વાંચવાનું શરુ કરતા તેમની નજીક બેઠેલા રાજયના મંત્રી મહેશ જોષી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જો કે અશોક ગેહલોટને ખ્યાલ ન હતો કે તેઓ ગત વર્ષનું બજેટ વાંચી રહ્યા છે અને તરત જ મંત્રી જોષીએ તેમને રોકયા હતા અને બાદમાં તુર્ત જ બજેટ વાંચન રોકી દેવાયુ હતું.
પછી સાથી મંત્રીને ખ્યાલ આવતા તુર્તજ ગેહલોટને બજેટ રજુ કરતા અટકાવ્યા: વિધાનસભામાં જબરો હંગામો: ભાજપે શરમ શરમના નારા લગાવ્યા
અશોક ગેહલોટે ત્રણ થી ચાર ફકરા તો વાંચી પણ નાંખ્યા હતા અને તેઓએ આ ભુલ બદલ ગૃહની માફી માંગી લીધી હતી. રાજયમાં નાણાવિભાગનો હવાલો પણ સંભાળતા મુખ્યમંત્રી અશોક ગેહલોટ માટે અને રાજયની કોંગ્રેસ સરકાર માટે આ એક સૌથી મોટી સંકોચની ઘડી આવી ગઈ હતી.
રાજયમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને તે પુર્વે આ છેલ્લુ બજેટ છે તેથી તેમાં મુખ્યમંત્રી દ્વારા અનેક મહત્વની જાહેરાતો થવાની હતી.
અને વિપક્ષ ભાજપે ગૃહમાં સૂત્રોચ્ચાર ચાલુ કરી દેતા બજેટ બેઠક થોડી મીનીટ મુલત્વી રાખવી પડી હતી. અશોક ગેહલોટ પાસે આ જુના બજેટના કાગળો કઈ રીતે આવી ગયા તે પણ પ્રશ્ન છે અને તેમાં કોઈ અધિકારીએ મોટી રમત કરી હોય તેવું મનાય છે.
બાદમાં ભાજપના ધારાસભ્યોએ શરમ શરમના નારા ઉચ્ચાર્યા હતા. વિધાનસભામાં અધ્યક્ષ પણ ધમાલથી અકળાઈ ગયા હતા અને તેઓએ ખુદે વિધાનસભા છોડી જવાની ચીમકી આપી હતી અને 30 મીનીટ માટે વિધાનસભા મુલત્વી રાખવી પડી હતી.