આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૮૯ વિકેટ સાથે અશ્વિનની સિદ્ધિ
ઈન્દોર, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં રવિચંદ્રન અશ્વિને ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે અશ્વિન સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ત્રીજાે ભારતીય બન્યો હતો. અશ્વિને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. રવિચંદ્રન અશ્વિને હવે ૨૬૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૬૮૯ વિકેટ ઝડપી છે. કપિલ દેવે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૬૮૭ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિનની આ ૯૧મી ટેસ્ટ મેચ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૪૬૬ વિકેટ લીધી છે.
આ ઉપરાંત તેણે વનડેમાં ૧૧૩ મેચમાં ૧૫૧ વિકેટ ઝડપી છે. ટી૨૦ ઈન્ટરનેશનલમાં અશ્વિને ૬૫ મેચમાં ૭૨ વિકેટ લીધી છે. કપિલ દેવે ૧૩૧ ટેસ્ટ મેચમાં ૪૩૪ વિકેટ, ૨૨૫ વનડેમાં ૨૫૩ વિકેટ લીધી હતી. સૌથી વધુ ઈન્ટરનેશનલ વિકેટ લેવાના મામલે અશ્વિન ૧૭માં નંબર પર પહોંચી ગયો છે. તે હવે દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેનથી ૧૦ વિકેટ જ પાછળ છે.
રવિચંદ્રન અશ્વિન કરતાં વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો ધરાવતા ભારતીયોમાં અનિલ કુંબલે અને હરભજન સિંહ છે. અનિલ કુંબલેએ પોતાની કારકિર્દી દરમિયાન ૪૦૩ આંતરરાષ્ટ્રીય મેચમાં ૯૫૬ વિકેટ લીધી હતી જ્યારે હરભજન સિંહે ૩૬૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૭૧૧ વિકેટ લીધી હતી. અશ્વિન હરભજનના રેકોર્ડથી ૨૩ વિકેટ દુર છે. આવનાર સમયમાં અશ્વિન અનેક રેકોર્ડ તોડી શકે છે. SS2.PG