9 હજારની લાંચ લેતા ઝડપાયા શહેરા પોલીસ સ્ટેશનના ASI

(પ્રતિનિધિ) ગોધરા, શહેરા પોલીસ સ્ટેશનની જુની પોલીસ લાઈનમાં દલવાડા બીટ ના એ.એસ.આઇ રૂપિયા ૯,૦૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા . પોલીસ કર્મીએ લોકઅપ માં નહિ રાખવા અને જામીન કરાવી આપવાના કામે લાંચ માંગી હતી.
શહેરા પોલીસ સ્ટેશનમાં દલવાડા બીટમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. વજેસિંહ શંકરભાઈ બારીયા એ ફરિયાદીને જમીન બાબતે બોલાચાલી થયેલ હોય અને સામસામે ફરિયાદની અરજીઓ થયેલ હોવાથી ફરિયાદી અને તેમના છોકરાઓ તેમજ ભત્રીજાઓને લોકઅપમાં નહીં રાખવા અને જામીન કરાવી આપવાના કામે તા .૧ / ૧૧ /૨૦૨૨ ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને રૂપિયા ૧૦ હજાર લાંચની માગણી કરેલ હતી
જાે કે ફરિયાદી પાસે તે દિવસ રૂપિયા નહિ હોવાથી સગવડ કરીને આપી દઈશ તેમ કહેતા આક્ષેપિતે કાગળો કરીને મામલતદાર કચેરીમાં રજૂ કરેલ હતા . પોલીસ કર્મીને રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું .
એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. પ્રજાપતિ સહિતના સ્ટાફ એ ફરીયાદીને સાથે રાખીને લાંચનુ છટકું ગોઠવતા એ.એસ.આઈ. વજેસિંહ બારીઆ જૂની પોલીસ લાઈન માં રૂપિયા ૯,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા . એ.સી.બી એ લાંચની રકમ ૯,૦૦૦ રીકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.