Western Times News

Gujarati News

એશિયન ગ્રેનિટોએ એસ્ટ્રોન પેપરમાં તેનો સમગ્ર હિસ્સો રૂ. 46.94 કરોડમાં વેચ્યો

શેરના વેચાણ થકી મળનારી રકમ કંપનીના લાંબા ગાળાની કાર્યશીલ મૂડી અને વ્યાપાર વિકાસ અર્થે ઉપયોગમાં લેવાશે

અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સમાવિષ્ટ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની એસોસિયેટેડ કંપની એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ્સ લિમિટેડ (એસ્ટ્રોન પેપર)માં તેનો 18.87 ટકાનો સમગ્ર હિસ્સો રૂ. 46.94 કરોડમાં વેચી દીધો છે. Asian Granito India Ltd divest entire stake in its Associated company Astron Paper for Rs. 46.94 crore

કંપનીએ 10 ઓગસ્ટ, 2021ના રોજ શેરદીઠ રૂ. 53.5ની કિંમતે બ્લોક ડીલ થકી એસ્ટ્રોન પેપરના 87.75 લાખ ઈક્વિટી શેર્સ વેચ્યા હતા. એસ્ટ્રોન પેપરના શેરના વેચાણથી મળનારી રૂ. 46.94 કરોડની રકમનો એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની લાંબા ગાળાની કાર્યશીલ મૂડી અને વ્યાપાર વિકાસને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાશે. એસ્ટ્રોન પેપરના શેર્સના વેચાણથી મળનાર કેપિટલ ગેઈન એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ માટે કરમુક્ત રહેશે.

સિરામિક ટાઈલ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સના મુખ્ય વેપાર પર ધ્યાન આપવાના હેતુથી એશિયન ગ્રેનિટોએ 31 મે, 2021ના રોજ મળેલી તેની બોર્ડ મીટિંગમાં એસ્ટ્રોન પેપરનો તેનો હિસ્સો વેચવાને મંજૂરી આપી હતી. એસ્ટ્રોન પેપર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ છે.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે આ ગતિવિધિ અંગે જણાવ્યું હતું કે અમારા માટે એ જરૂરી છે કે અમે અમારી મુખ્ય ક્ષમતાઓ પર વધુ ધ્યાન આપીએ. એસ્ટ્રોન પેપરમાંથી પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય નોંધપાત્ર વિકાસ સાધી રહેલા ટાઈલ્સ તથા બિલ્ડિંગ મટિરિયલ્સના મુખ્ય બિઝનેસ પર ધ્યાન આપવાના કંપનીના વિઝનને અનુસરે છે.

સંચાલન ક્ષમતા, નાણાંકીય વિવેક, પડતર અનુકૂલનમાં સુધારો લાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પગલાં લીધા છે જેના પરિણામે કંપની મજબૂત કામગીરી દર્શાવી શકી છે અને આગળના સમયમાં પણ વિકાસની ગતિ જાળવી રાખે તેવી સંભાવના છે.

કંપનીએ તેના એકંદરે કન્સોલિડેટેડ દેવું રૂ. 35 કરોડ જેટલું ઘટાડ્યું છે જેના લીધે ડેટ ઈક્વિટી રેશિયો 0.5 ગણાથી પણ ઓછો થયો છે. એસ્ટ્રોનમાં હિસ્સો વેચ્યા પછી મળનારી રકમનો એશિયન ગ્રેનિટોની તરલતા સ્થિતિ મજબૂત બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે.

કંપનીએ તાજેતરમાં જ રૂ. 225 કરોડના રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત કરી છે. નાણાંકીય વર્ષ 2021 માટે કંપનીએ કન્સોલિડેટેડ આધાર પર રૂ. 57.23 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 36 ટકાનો વૃદ્ધિદર સૂચવે છે. નાણાંકીય વર્ષ 2021 માટે ચોખ્ખા વેચાણો રૂ. 1,292 કરોડ નોંધાયા હતા

જે વાર્ષિક ધોરણે છ ટકાનો વધારો સૂચવે છે. એબિટા રૂ. 135.95 કરોડ નોંધાઈ હતી જે વાર્ષિક ધોરણે 16 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2021 માટે એબિટા માર્જિન 91 બેસિસ પોઈન્ટ્સ વધીને 10.5 ટકા થયું હતું જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન 100 બેસિસ પોઈન્ટ્સ વધીને 4.4 ટકા થયું હતું.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્શલેન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ક્વાર્ટ્ઝ સહિતની વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ ધરાવે છે. પોતાના ગ્રાહકોને સંપૂર્ણ બાથિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કંપનીએ તેના સેનિટરી ડિવિઝનમાં સીપી ફિટિંગ્સ અને ફોસેટ્સ પણ ઉમેર્યા છે. કંપની હાલ 100થી વધુ દેશોમાં નિકાસ કરે છે અને તેમાં વિસ્તરણ કરીને 120થી વધુ દેશોમાં પહોંચવાની ધારણા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.